![]()
ઘોઘાવદર રોડ પર સિમેન્ટના કારખાને જઇ પગલું ભર્યું : પોતે આવું કૃત્ય કરવા જઇ રહ્યા હોવાનો વીડિયો પિતરાઇને મોકલ્યો, પરિવારજનો કારખાને દોડી ગયા પરંતુ તે પૂર્વે ત્રણે’યના મોત
ગોંડલ, : ગોંડલના ઘોઘાવદર રોડ પર સિમેન્ટનું કારખાનું ધરાવતા અને કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે રહેતા કારખાનેદારે આજે પોતાના પુત્ર અને પુત્રીને કારખાને લઇ જઇ બન્નેને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી અને બાદમાં પોતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર હતપ્રભ બની ગયો હતો. બનાવના પગલે સાંઢવાયા ગામમાં અરેરાટી વ્યાપી છે.
કરૂણાંતિકાની વિગત મુજબ ગોંડલના ઘોઘાવદર રોડ પર ગાયત્રી સિમેન્ટના નામે કારખાનું ધરાવતા કોટડાસાંગાણીના સાંઢવાયા ગામના જયપાલભાઈ વિઠ્ઠલભાઈ તોગડિયા (ઉ.વ. 36) આજે પોતાના પુત્ર મિશ્ર (ઉ.વ. 17) અને તેની પુત્રી રીવા (ઉ.વ. 10)ને લઇને કારખાને આવ્યા હતા તથા બપોરના અઢીથી પોણા ત્રણ વાગ્યાની આસપાસ જાણે માથા પર કાળ સવાર થયો હોય તેમ પુત્ર મિશ્ર અને પુત્રી રીવાના ગળા દબાવી હત્યા કરી અને બાદમાં પોતે પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
બનાવ પૂર્વે બપોરે 2.21 વાગ્યાના અરસામાં જયપાલભાઈએ પોતાના પિતરાઇ અલ્પેશભાઈને વીડિયો મોકલી પોતે પુત્ર-પુત્રીના ગળા ઘોંટી અને ગળાફાંસો ખાઇ રહ્યાની જાણ કરતા અલ્પેશભાઈ તથા અન્ય પરિવારજનો હાંફળા-ફાંફળા કારખાને દોડી ગયા હતા પરંતુ મોડું થઇ ચૂક્યું હતું અને જયપાલભાઈએ ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્રણેયના મોતના પગલે પરિવાર હતપ્રત બની ગયો હતો. બનાવ અંગે જાણ કરાતા પોલીસે પિતા-પુત્ર અને પુત્રીના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડયા હતા. જ્યારે મોડી સાંજે ત્રણેયના મૃતદેહ સાંઢવાયા ગામે તેમના ઘરે અંતિમવિધિ માટે લઇ જવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગામમાં ગમગીની વ્યાપી ગઇ હતી.















