![]()
બાબરી ધ્વંશનો બદલો લેવા ભારતમાં RDX અને વિસ્ફોટકો ઘૂસાડાયા હતા : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, અનીશ ઈબ્રાહીમ, છોટા શકીલ સહિત 15 આરોપીઓને ટાડા કોર્ટે ભાગેડુ જાહેર કર્યા
જામનગર, : બાબરી ધ્વંશનો બદલો લેવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ઇશારે ભારતમાં કોમી રમખાણો ફેલાવવા અને આંતક મચાવવા પાકિસ્તાનનાં કરાચીથી આરડીએક્સ સહિતનાં વિસ્ફોટકો અને આધુનિક રાયફલોનો જથ્થો ભારતમાં મોકલવામાં આવ્યો હતો. 1993 સાલમાં પોરબંદરનાં ગોસાબારા બંદરે તેનું લેન્ડીંગ થયું હતું. ૩૩ વર્ષ જૂના આ કેસમાં જામનગરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ (ટાડા) અદાલતના જજ આર.પી. મોગેરાએ ૧૨ આરોપીઓને તકસીરવાન ઠરાવી સજા ફરમાવી છે.
દસ આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા અને રૂ. 5,000નો દંડ જ્યારે 2 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 8,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, તેના ભાઇ અનિશ અને ટાઇગર મેમણ સહિતનાં 15 આરોપીઓને ટાડા કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયા છે.
ગોસાબારા લેન્ડીંગ કેસ તરીકે ઓળખાતા આ કેસમાં કુલ 46માંથી 11 આરોપીઓ કેસ ચાલવા દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 6 આરોપીઓને સુપ્રિમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરાયા હતા. બાકીના 29 આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી.
કડીબદ્ધ વિગતોનો ખુલાસો થતાં 1993ની સાલમાં જામનગરના બી.ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ સામે ટાડા, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝીવ એક્ટ વગેરે કલમો હેઠળ એલઆઇબીના તત્કાલીન પીઆઇ ડી.જી. વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. તે વખતે આરોપીઓ તરીકે દાઉદ ઇબ્રાહિમ, મુસ્તુફા મજનુ શેઠ, મમ્મુમિયા પંજુમિયા, ઓસ્માણ ઉર્ફે ઉસ્માન ઉમર ખોરાજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આમદ સંઘાર, મહમદ કાલીયા, યુનુસ ઉર્ફે જુનુસ ઉર્ફે લોટો હસન રાઠોડ, જુનુસ ચીકના અને અનવર ખાંભાને દર્શાવાયા હતા.















