![]()
વડોદરા,ઘડિયાળી પોળના સોનીએ આસોજ ગામ નજીક આવેલા તળાવ પાસે ઝાડ પર દોરડું બાંધીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા હાલની પોલીસ તપાસ દરમિયાન જણાઇ આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ બરાનપુરા મહાવીર વાટીકા ફ્લેટમાં રહેતા ૩૫ વર્ષીય અમિતભાઈ જયોદેવ પોલ (ઉં.વ.૩૫) ઘડિયાળી પોળમાં સોનાની દુકાન ચલાવે છે. તે ઉપરાંત તળાવ ભાડે રાખી માછલી ઉછેરનો પણ ધંધો તેઓ કરે છે. ગઇકાલે સાંજે પત્નીને એવું કહીને નીકળ્યા હતા કે, હું દુકાન જઇને આવું છું. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે પત્ની સાથે વાત કરી હતી કે, હું કામ પતાવીને આવું છું. સવાર સુધી તેઓ નહીં આવતા તેમજ મોબાઇલ ફોન બંધ આવતા પત્નીએ પતિના બિઝનેસ પાર્ટનરને કોલ કરતા તેમણે કહ્યું હતું કે, રાત્રે અમારે વાત થઇ હતી તે મુજબ, અમિતભાઇ આસોજ નજીક આવેલા તળાવ પર ગયા હતા. જેથી,પત્ની અને પરિવારજનો તપાસ કરવા ત્યાં ગયા ત્યારે અમિતભાઇ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. મંજુસર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, અમારે ઘર અને ફોર વ્હિલરની લોન ચાલે છે.















