![]()
Land Acquisition Case : સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનના કેસમાં ખેડૂતો અને જમીન માલિકોના હિતમાં મહત્વનો નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કહ્યું છે કે, વળતરની બંધારણીય ગેરંટી સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે, વળતર અને વ્યાજની રકમ કેટલી મોટી છે અથવા તેનાથી કેટલો નાણાકીય બોજ પડશે તેના આધારે ન્યાયના સિદ્ધાંતો બદલાઈ શકે નહીં.
શું હતો વિવાદ?
આ સમગ્ર વિવાદ એનએચએઆઈ દ્વારા 4 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવેલા એક ચુકાદાના પુનઃવિચાર માટે હતો. વર્ષ 2019ના એક નિર્ણય મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે જમીન સંપાદિત કરવામાં આવી છે તેના પર ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ મુજબ 9 ટકા વ્યાજ આપવાનું નક્કી થયું હતું. એનએચએઆઈ આ વ્યાજ દરને તેમના પોતાના કાયદા મુજબ 5 ટકા સુધી મર્યાદિત રાખવા માંગતું હતું. સત્તાધિકારીએ દલીલ કરી હતી કે, આ નિર્ણયથી તેમના પર 29,000 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે અગાઉ માત્ર 100 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. જોકે મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે, માત્ર આર્થિક બોજ એ ચુકાદાની સમીક્ષા કરવાનો માન્ય આધાર નથી.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ
‘તમામ માલિકો વળતર અને વ્યાજ મેળવવાના હકદાર’
અદાલતે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ હેઠળ જેમની જમીન લેવામાં આવી છે તે તમામ માલિકો વળતર અને વ્યાજ મેળવવાના હકદાર છે કારણ કે તે યોગ્ય વળતરનો જ એક ભાગ છે. જોકે આ નિર્ણયનો અમલ કરતી વખતે કોર્ટે મર્યાદા પણ નક્કી કરી છે. જે કેસમાં વળતરના દાવાઓ આખરી રીતે પતી ગયા છે તેને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પતાવટ થયેલા દાવાઓ ફરીથી ધ્યાને નહીં લેવાય
ન્યાયતંત્રએ જમીન માલિકોના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાની નિશ્ચિતતા વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો છે. કોર્ટે અગાઉ 23 ફેબ્રુઆરીએ પણ નિર્દેશ આપ્યો હતો કે, માર્ચ 2018 પહેલાના જે કિસ્સાઓનો નિકાલ થઈ ચૂક્યો છે તેવા દાવાઓને ફરીથી ધ્યાને લેવામાં આવશે નહીં. આમ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે વળતરના બાકી રહેલા કિસ્સાઓમાં જ આ વ્યાજ દરનો લાભ મળી શકશે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવાર















