Jammu Kashmir Cloudburst : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સરથલ અને માછીપાલ વિસ્તારોમાં એક જ સમયે બે સ્થળોએ વાદળ ફાટવાની ગંભીર ઘટના બની છે. આકાશમાંથી અચાનક ભારે પાણી ખાબકતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. રિપોર્ટ મુજબ હાલ અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે, જેમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. બીજીતરફ તાત્કાલીક હાઈવે બંધ કરાતા અનેક મુસાફરો પણ અટવાઈ ગયા છે.
જાનહાનિ નહીં, ભારે નુકસાન
પહાડો પરથી ધસી આવેલા કાટમાળ અને પૂરના કારણે ખીણમાં અફરાતફરી મચી ગઈ હતી. રાહતની વાત એ છે કે, આ આપત્તિમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. જોકે, માત્ર ગણતરીની મિનિટોમાં જ આ બે વાદળ ફાટવાના કારણે ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા છે.
⚡⚠️#flash flood hits Thathri Doda due to intense rainfall. pic.twitter.com/KcwkQDOoNI
— @Kashmir Weather (@KashmirWeather2) June 2, 2026
મુખ્ય હાઈવે બંધ થતાં સેંકડો મુસાફરો ફસાયા
વાદળ ફાટવાથી પહાડો પરથી મોટો કાટમાળ અને કાદવ નીચે આવતાં કિશ્તવાડ-ઠઠરી મુખ્ય હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વાહનવ્યવહાર ખોરવાઈ જતાં રસ્તા પરથી પસાર થઈ રહેલા સેંકડો મુસાફરો અને સ્થાનિક લોકો અધવચ્ચે ફસાઈ ગયા છે.
આ પણ વાંચો : ભાજપને ભારે પડશે અન્નામલાઈની નારાજગી? તમિલનાડુના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેત
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો સક્રિય થઈ છે. રાહત ટીમો જેસીબી અને અન્ય મશીનોની મદદથી હાઈવે પરથી કાટમાળ હટાવવાના કામમાં જોડાઈ છે. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને માર્ગને વહેલી તકે શરૂ કરવા પ્રયાસો ચાલુ છે.
ભૂસ્ખલનનો ખતરો
આ ઘટનાની ગંભીર અસર કનેક્ટિવિટી પર પડી છે. કિશ્તવાડ-ઠઠરી માર્ગ સ્થાનિક લોકોની જીવાદોરી હોવાની સાથે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પહાડો પરથી ટનબંધ કાટમાળ રસ્તા પર આવી જવાથી આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો વધી શકે છે. સમગ્ર વિસ્તારમાં વહીવટી એલર્ટ જાહેર કરીને સ્થાનિક લોકોને પહાડી વિસ્તારો તેમજ નદી-નાળાની નજીક ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ પાછળનું કારણ















