![]()
અમદાવાદ : કેપેક્સ (મૂડી ખર્ચ)માં પુનરુત્થાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગને કારણે વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ ૧૩ ટકા સુધી રહેવાનો અંદાજ છે. બેંકોના જણાવ્યા અનુસાર, આ વૃદ્ધિ ખૂબ ઝડપી નહીં પણ સ્થિર રહેશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી) અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સર્વે મુજબ, ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમિયાન ઔદ્યોગિક ધિરાણમાં ૯ થી ૧૩ ટકાનો વધારો જોવા મળી શકે છે. જોકે, આ વૃદ્ધિમાં કોઈ મોટો ઉછાળો આવવાની અપેક્ષા નથી. તેના બદલે, મૂડી ખર્ચમાં વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર અને વિવિધ ક્ષેત્રોમાં માંગ સુધરવાને કારણે ધીમો પણ સ્થિર વિકાસ જોવા મળશે.
સર્વેમાં વિવિધ પ્રકારની બેંકો માટે અલગ-અલગ અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સ્મોલ ફાઇનાન્સ અને કો-ઓપરેટિવ બેંકોમાં ધિરાણ વૃદ્ધિ ૭-૯% ની આસપાસ રહેવાની ધારણા છે, જે તેમનો સાવધાનીનો અભિગમ દર્શાવે છે.
જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. સુધરેલી એસેટ ક્વોલિટી અને મજબૂત મૂડી ભંડોળને કારણે તેઓ ઉચ્ચ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જયારે ખાનગી બેંકો પસંદગીના ક્ષેત્રોમાં વૃદ્ધિ અને જોખમ વ્યવસ્થાપન વચ્ચે સંતુલન જાળવીને આગળ વધશે. જો કે વૈશ્વિક તરલતા અને પસંદગીના કોર્પોરેટ ધિરાણને કારણે વિદેશી બેંકોમાં વૃદ્ધિ ૧૧-૧૩%ની રેન્જમાં રહેવાની સંભાવના છે.
સ્મોલ ફાઇનાન્સ અને કો-ઓપરેટિવ બેંકો મુખ્યત્વે રિટેલ અને એમએસએમઈ ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવાથી, મોટા ઉદ્યોગોમાં તેમનું એક્સપોઝર ઓછું છે, જેના કારણે તેમની વૃદ્ધિનો અંદાજ ૭-૯% જેટલો મર્યાદિત છે તેમ સર્વેમાં જણાવાયું છે.















