![]()
જામનગરના સીટી એ. ડિવિઝન વિસ્તારમાં ગાળાગાળીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની હુમલામાં ફેરવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, જીતેન્દ્રભાઈ ચીમનભાઈ બારીયા (ઉંમર 40 વર્ષ, રહે. મહાવીરનગર, જામનગર) પોતાના ભાણેજ સાથે હર્ષદમિલની ચાલીમાં હાજર હતા. તે દરમિયાન આરોપી જુલીભાઈ ઝાલા દ્વારા ભાણેજને ગાળો આપવામાં આવતાં ફરીયાદીએ તેને રોક્યા હતા.
આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયા અને ઝઘડો થયો. આરોપી નં.1એ લાકડાના ધોકા વડે ફરીયાદીના જમણા ખભા પર માર માર્યો હતો. ત્યારબાદ આરોપી નં.૨એ છરી કાઢી ફરીયાદીના માથાના જમણા કાન પાસે ઘા મારી ઈજા પહોંચાડી હતી.
તે સિવાય આરોપી નં.3એ ઈંટ વડે ફરીયાદીના શરીરના ભાગે માર મારી વધુ ઈજા પહોંચાડી હતી. ત્રણેય આરોપીઓએ મળીને હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 118(1), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.












