![]()
મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકા ખાતે નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, કેનેડા સહિત અન્ય દેશોમાં નિકાસમાં વધારો થતા અમેરિકામાં થયેલા ઘટાડાની ગંભીર અસર જોવા મળી નથી.
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ ડોલરના સ્વરૂપમાં વાર્ષિક ધોરણે ૩.૩૨ ટકા ઘટી ૨૭.૭૨ અબજ ડોલર રહી હતી. ડોલરના સ્વરૂપનો નિકાસ આંક પાંચ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો એમ જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. રૂપિયાના સ્વરૂપમાં નિકાસ વાર્ષિક ધોરણે ૦.૯૩ ટકા વધી રૂપિયા ૨,૪૪,૮૨૭.૨૬ કરોડ રહી હતી.
નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોનાના કાળમાં જેમ એન્ડ જ્વેલરીનો નિકાસ આંક ૨૮.૭૦ અબજ ડોલર રહ્યો હતો ત્યારબાદ ગત નાણાં વર્ષનો આંક સૌથી નીચો રહ્યો છે.
ભારતના માલસામાન પર ઊંચા ટેરિફને પરિણામે અમેરિકા ખાતે નિકાસ ૪૫ ટકા ઘટી ૫.૦૯ અબજ ડોલર રહી હતી. અમેરિકા ખાતે નિકાસમાં ઘટાડો થયો છે પરંતુ યુનાઈટેડ આરબ અમીરાતસ, હોંગકોંગ, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હોવાનું કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ પણ વાર્ષિક ધોરણે ૮.૫૦ ટકા ઘટી ૧૨.૧૬ અબજ ડોલર રહેવા પામી છે. જેમ એન્ડ જ્વેલરીની એકંદર નિકાસમાં પચાસ ટકા હિસ્સો કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસનો રહે છે. કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ બે દાયકા કરતા વધુ સમયની નીચી સપાટીએ રહી છે.
ડાયમન્ડસના કટિંગ તથા પોલિશિંગનું ભારત વિશ્વનું સૌથી મોટું મથક છે. વિશ્વમાં પ્રોસેસ થતા દર ૧૦માંથી નવ હીરાનું પ્રોસેસિંગ ભારતમાં થાય છે. યુકે તથા યુરોપ સાથે મુકત વેપાર કરાર બાદ ભારતની જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવે છે.















