![]()
રાજપીપલા તા.૧૧ નર્મદા જિલ્લામાં આવેલ ઉતરવાહીની નર્મદા નદી કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમ્યાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી ભાવિક ભકતો કરે છે. નર્મદા નદીની પૂરેપૂરી પરિક્રમા દરેક લોકો નથી કરી શકતા કારણ કે આ પરિક્રમા પગપાળા કરતા એક કે સવા વર્ષ જેટલો સમય લાગે છે ત્યારે શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું ધામક મહત્વ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે.જે ૧૭ કિલોમીટરની જ પરિક્રમા થાય છે. પરિક્રમા માટે તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે. પરિક્રમા કરવા માટે સમગ્ર રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. વિવિધ ધાર્મિક માન્યતાને કારણે ઉત્તરવાહીની નર્મદાની પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.
ઉત્તરવાહિની નર્મદા નદી કિનારેથી પરિક્રમાની શરૃઆત નાંદોદ તાલુકાના રામપુરા ગામ પાસે કિડી મકોડી ઘાટ ખાતેથી નર્મદા મૈયાની પરિક્રમા શરૃ થાય છે. અને ત્યાંથી આગળ વધતા વધતા નર્મદા નદીને તિલકવાડા પાસે એક જગ્યાએ નાવડીમાં બેસીને પાર કરવામાં આવે છે સામે કિનારે ફરી પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે કે નર્મદા નદીની પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે.
પરિક્રમામાં ભીડ નિયંત્રણ માટે ૫૧ અધિકારીઓને જવાબદારીઓ સોંપાઇ
તા.૧૯ માર્ચથી શરૃ થતી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાં માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પરિક્રમાના આયોજન માટે જિલ્લાના ૫૧ જેટલાં અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે. નર્મદા પરિક્રમાં દરમિયાન બે સ્થળોએ નદી નાવડી મારફતે ઓળંગવાની હોવાથી વધુ ભીડ ના થાય અને લોકો સારી રીતે નદી પાર કરી શકે તે માટે ત્રણ ઘાટ ઉપર ૩૧ જેટલાં અધિકારી અને કર્મચારીઓને જવાબદારી સાથે ફરજ સોંપી દેવામાં આવી છે.
નર્મદા પરિક્રમાં દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ
એક મહિના સુધી ચાલનારી માં નર્મદા પરિક્રમાં માટે જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા નહી મૂકવા અને જો રજા મૂકાય તો નામંજુર કરવા આજે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરની મંજૂરી સિવાય હેડક્વાર્ટર ના છોડવા પણ આદેશ કરવામાં આવ્યો છે.















