![]()
Raghav Chadha joins BJP: આમ આદમી પાર્ટીના કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ બળવો કરીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. તેમની સાથે અન્ય છ સાંસદોએ પણ આપ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. રાઘવ ચઢ્ઢાએ આ પક્ષાંતર માટે ગૃહમાં હાજર રહેલા પક્ષના કુલ 10 સભ્યોમાંથી બે-તૃતીયાંશ (2/3) બહુમતી હોવાનો હવાલો આપ્યો છે, જેથી તેમના પર પક્ષાંતર વિરોધી કાયદો લાગુ ન પડે.
પોતાના જ લાવેલા બિલમાં ફસાયા હોત રાઘવ
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટી વિડંબના એ છે કે, જો ચાર વર્ષ પહેલા રાઘવ ચઢ્ઢાએ રજૂ કરેલું બિલ કાયદો બની ગયું હોત, તો તેઓ આજે પક્ષ બદલી શક્યા ન હોત. ઓગસ્ટ 2022માં રાજ્યસભાના સૌથી યુવા સભ્ય તરીકે રાઘવે એક પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. આ બિલનો મુખ્ય હેતુ પક્ષાંતર વિરોધી કાયદાને વધુ કડક બનાવવાનો હતો, જેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષ સાથે ગદ્દારી ન કરી શકે.
આ પણ વાંચો: અમદાવાદના શ્યામલમાં કોમ્પલેક્ષમાં ભીષણ આગ, ATM સહિતની દુકાનો-વાહનો પણ બળીને રાખ
બિલમાં હતી ત્રણ-ચતુર્થાંશ બહુમતીની જોગવાઈ
રાઘવ ચઢ્ઢાના તે સમયના પ્રસ્તાવિત બિલ મુજબ, પક્ષમાં કાયદેસર વિભાજન કરવા માટે બે-તૃતીયાંશને બદલે ત્રણ-ચતુર્થાંશ (3/4) બહુમતીની જરૂર પડી હોત. વર્તમાન સ્થિતિમાં 10 સભ્યોની પાર્ટીમાં 7 સભ્યોની સહમતીથી તેઓ બચી ગયા છે, પરંતુ જો તેમનું બિલ અમલમાં હોત તો તેમને 8 સભ્યોના સમર્થનની જરૂર પડી હોત. માત્ર 7 સભ્યો સાથે તેઓ અયોગ્ય ઠર્યા હોત અને તેમની સામે કડક કાર્યવાહી પણ થઇ શકી હોત.
ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને કડક નિયમો
ચઢ્ઢાના આ બિલમાં એવી પણ જોગવાઈ હતી કે, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય પક્ષ બદલે તો તેના પર છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. વધુમાં, રિસોર્ટ પોલિટિક્સ રોકવા માટે જો કોઈ સરકારમાંથી ટેકો પાછો ખેંચે તો તેને સાત દિવસમાં સ્પીકર સમક્ષ હાજર થવું ફરજિયાત બનાવવાની માંગ કરી હતી. આજે રાઘવ ચઢ્ઢા જે કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરીને ભાજપમાં ગયા છે, તેને જ બંધ કરવા માટે તેમણે ક્યારેક અવાજ ઉઠાવ્યો હતો.















