![]()
વડોદરા,દહેજની માગણી કરી બેન્કમાં નોકરી કરતી પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયારોડ વિસ્તારમાં શરણમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા જન્મીતાબેને કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન જાન્યુઆરી ૨૦૧૫ માં સ્મિત નિમેષકુમાર સોની (રહે. રિલીફ કોલોની, પાણીગેટ) સાથે થયા હતા. પતિ, સાસુ અને સસરા શરૃઆતમાં મારી સાથે સારૃં વર્તન રાખતા હતા. પરંતુ, વર્ષ ૨૦૨૧ થી મારા પતિનું વર્તન અચાનક બદલાઇ ગયું હતું. તેઓ નાની વાતોમાં મારી સાથે ઝઘડો કરતા હતા. દહેજની માગણી કરી અવાર -નવાર અપમાનિત કરી ત્રાસ ગુજારતા હતા. ગયા માર્ચ મહિનાથી મારા પતિ, સાસુ અને સસરા મારાથી અલગ રહેવા જતા રહ્યા છે. મારા પતિને હું ફોન કરી બોલાવું તો તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.















