![]()
જામનગરમાં બોર્ડની પરીક્ષાનું અંતિમ પેપર આપવા આવેલી : 4 દિવસના પરિચય બાદ કારમાં બેસાડી નવા ઓવરબ્રીજ નીચે લઇ જઇ ધાકધમકી આવી દુષ્કર્મ ગુજાર્યુ : આરોપીની અટકાયત
જામનગર, : જામનગરમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું અંતિમ પેપર આપવા માટે આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થિનીને જામનગરના મહિલા પોલીસ કર્મચારીના પ્રેમીએ કારમાં બેસાડી નવા ઓવર બ્રીજ નીચે લઈ કારમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાયા બાદ જેલ હવાલે કર્યો છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થિની બારમા ધોરણની પરીક્ષા આપવા માટે જામનગર આવતી હોઇ જામનગરના એસ.ટી. ડેપો પર આરોપી ભરત ગોવિંદભાઈ બામરોટીયાના સંપર્કમાં આવી હતી. આરોપીએ પોતાના મોબાઈલ નંબર આપ્યા હતા. અને મેસજ પણ કર્યો હતો. ચાર દિવસ પછી વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષાનું અંતિમ પેપર આપવા એસ.ટી બસમાં જામનગર એસ.ટી સ્ટેન્ડે ઉતરી ત્યારે ભરત ગોવિંદભાઈ બામરોટીયા ત્યાં કાર લઇને આવ્યો હતો. વિદ્યાર્થિનીને એસ.ટી. ડેપો પરથી કારમાં બેસાડી નવા ઓવર બ્રીજની નીચે એક ખાંચામાં લઈ ગયો હતો.જ્યાં કારના ડાર્ક કાચ ચડાવી વિદ્યાર્થિનીને ધાકધમકી આપી હતી. અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન બંને વચ્ચે ખેંચતાણ થતાં વિદ્યાર્થિનીને ગળાના ભાગે ઇજા થઈ હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ વિદ્યાર્થિનીને છોડીને આરોપી ભાગી છૂટયો હતો. જો કે હિંમત દાખવીને વિદ્યાર્થિની એ તે દિવસનું બપોરના સેશનમાં પોતાનું પેપર આપીને એસટી બસ મારફતે પોતાના ઘેર પહોંચી હતી. તેણીના ગળાના ભાગમાં ઇજાના નિશાનો જોતા માતા અને ભાઈ વગેરેને તેણીની પૂછપરછ કરતા તેણીએ આખો મામલો જણાવી દેતાં પરિવારજનો હતપ્રભ બની ગયા હતા. અને જામનગર આવી ફરિયાદ નોંધાવી હતી.
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી ભરત ગોવિંદભાઈને પકડી પાડયો હતો. અને તેનો મોબાઇલ ફોન અને બનાવના સમયે પહેરેલા કપડા તેમજ કાર કબજે કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન કારની લે વેચનો વ્યવસાય કરતા આરોપી ભરત બામરોટીયાએ પ્રેમ લગ્ન કર્યા હતા. અને તેને એક સંતાન પણ છે.પરંતુ પત્ની સાથે અણબનાવ બનતાં પત્ની દ્વારા ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો છે. દરમિયાન આરોપીને જામનગરની એક મહિલા પોલીસ કર્મચારી સાથે પ્રેમસંબંધ બંધાતા અને હાલ તેની સાથે લીવ ઇનમાં પોલીસ હેડક્વાર્ટર માં જ રહેતો હોવાનું ખુલ્યું છે. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવાયો છે.















