![]()
મકાનનું રિપેરિંગ કામ ચાલું હોવાથી પરિવાર મંદિરે રહેતો હતો
પોલીસ દ્વારા સીસીટીવીે અને અન્ય પુરાવાને આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
નડિયાદ: નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં જુના ડુમરાલ રોડ પર આવેલી ભાગ્યકૃપા સોસાયટીમાં એક બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૨૩,૨૮૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ પશ્ચિમ જુના ડુમરાલ રોડ ઉપર આવેલી ભાગ્યકૃપા સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રકુમાર જમનાશંકર ચોબીસા (ઉં.વ. ૬૩) સાંઈબાબા મંદિરમાં સેવાપૂજાનું કામ કરે છે, તેમના મકાનનું હાલમાં રિપેરિંગ ચાલતુ હોવાથી તેઓ પરિવાર સાથે મંદિરમાં રહેતા હતા. આ તકનો લાભ ઉઠાવી તસ્કરો તા.૯-૧-૨૦૨૬થી ૧૨-૧-૨૦૨૬ના સમયગાળા દરમિયાન બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરોએ ઘરના રૂમમાં રાખેલા પતરાંના પીપમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. જ્યારે તેઓએ ૧૨મી જાન્યુઆરીના રોજ મકાનનો દરવાજો ખોલતા ઘરમાં સર સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો.
પીપમાં તપાસ કરતા સોનાની ચેઈન, મંગળસૂત્ર અને સોનાની બંગડીઓ,સોનાની બુટ્ટી, લકી અને સોનાના સિક્કા ચાંદીના સાંકળા (છડા), માછલીની શેરવાળી વીંટીઓ,ચાંદીની ગણપતિ અને દશામાની મૂતઓ તથા ચાંદીની દિવી મળી કુલ રૂ.૨૩,૨૮૦ ની મતા તસ્કરો ચોરી ગયા હતા. આ બનાવ અંગે ભુપેન્દ્રકુમાર જમનાશંકરે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
















