![]()
ગાંધીનગરમાં ૨૮૦ કરોડ રૃપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવા
છતાં
મુંબઇની ખિલારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કામ અપાયું હતું ઃ સુપર વિઝનના અભાવે થયેલી કામગીરીનો ભોગ હવે નાગરિકો બનશે ઃ નવા બનેલા રોડ તોડી લાઈન નીચી કરાશે
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૨૮૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરીને
નવી ગટર લઈને નાખવાનો પ્રોજેક્ટ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે પરંતુ તે પૂર્ણ
થવાનું નામ લેતો નથી. માંડ માંડ કામ પૂર્ણ થયું ત્યારે ઘરે ઘરે કનેક્શન આપવા સમયે
જણાયું કે, શહેરના
એક હજાર ઘરમાં મુખ્ય ચેમ્બર કરતાં ઘરની લાઈન નીચી છે. જેથી ગટરો ઉભરાશે આ સ્થિતિને
પગલે હવે નવા રોડ તોડીને મુખ્ય લાઈન નીચે લેવી પડશે.
ગાંધીનગર શહેરમાં નવી ગટર લાઈન નાખવા માટે નિયત કરવામાં
આવેલી મુંબઈની ખિલારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રીતસરની વેઠ
ઉતારવામાં આવી રહી હતી પરંતુ સરકાર કે અધિકારીઓ આ એજન્સી સામે કોઈ જ કાર્યવાહી
કરતા ન હતા તેને અવારનવાર મુદત વધારી આપવામાં આવી છતાં કામમાં કોઈ ભલીવાર લાવવામાં
આવ્યો નહીં અને યોગ્ય પુરાણના અભાવે નાગરિકો દર ચોમાસે હેરાન થતા રહ્યા હવે ગટર લાઈનો
નાખવાની કામગીરી પૂરી થઈ ગઈ છે પરંતુ આ એજન્સીએ દાખવેલી ગંભીર બેદરકારી બહાર આવી
છે. કોર્પોરેશન દ્વારા હવે ઘરે ઘરે કનેક્શન આપવા માટે એજન્સીઓ નિયત કરવામાં આવી છે
અને એજન્સીઓ દ્વારા કનેક્શન આપવાનું શરૃ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ૧,૦૦૦થી વધુ ઘરોમાં
મેઈન લાઈનનું લેવલ ઊંચું છે. જો આ જ સ્થિતિમાં જોડાણ આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં
ગટરના ગંદા પાણીનો નિકાલ થવાને બદલે તે ઉલટા ઘરોમાં બેક મારે તેવી પૂરેપૂરી શક્યતા
છે. આ ગંભીર બેદરકારીને કારણે છેલ્લા કેટલાય સમયથી નવી લાઇન ચાલુ થઈ શકી નથી અને
સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ ટેકનિકલ ગૂંચ ઉકેલવા માટે માર્ગ-મકાન વિભાગ, મહાનગરપાલિકા અને
સંબંધિત એજન્સીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. આખરે મામલો સચિવાલય સુધી પહોંચ્યો
હતો, જ્યાં બે
વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઘરની લાઈન તોડીને ઊંચી લાવવી અથવા તો ડ્રેનેજની
ચેમ્બરની મેન લાઇનને નીચે કરવી. જો ઘરની લાઈન તોડીને ઊંચી લાવવામાં આવે તો હજારો
ઘરોમાં તોડફોડ કરવી પડે અને લોકોના રોષનો ભોગ બનવું પડે. જેના પગલે હવે એવો નિર્ણય
લેવાયો છે કે, નવા રોડ
તોડીને મેઈન લાઈન નીચી લેવામાં આવશે. જોકે આ કામગીરીમાં પણ ઘણો સમય વીતી જશે અને
હાલ નવી ગટર લાઈન શરૃ થાય તેવા કોઈ સંજોગો જાણીતા નથી.
ત્રણ વખત મુદત વધારો અપાયો છતાં એજન્સીની નબળી કામગીરી
વર્ષ ૨૦૨૨માં નવી ગટર લાઈનનું કામ મેળવનાર એજન્સીને બે
વર્ષમાં કામ પૂરું કરી દેવા માટે કહેવાયું હતું પરંતુ અત્યાર સુધીમાં ત્રણ ત્રણ
વખત તેને મુદત વધારો આપવામાં આવ્યો છે. તેમ છતાં તેણે કામમાં વેઠ ઉતારી છે અને
તેનો ભોગ હવે ગાંધીનગરના નાગરિકોને બનવું પડી રહ્યું છે. હજી આ લાઈન શરૃ થયા બાદ
ઘણા ઘરોમાં ગટરના પાણી બેક મારવાની ફરિયાદો આવશે તે નક્કી છે. કોર્પોરેશન તંત્ર એ
અત્યારથી જ આ માટે તૈયાર રહેવું પડશે.














