![]()
ઘરનું રાશન, દવા અને ફી ભરવા માટે બહેનો ઊંચા વ્યાજે પૈસા લેવા મજબૂર : ગરીબ વિધવા બહેનોના પ્રશ્ને મહિલા અને બાળ વિભાગની ઘોર બેદરકારી સામે રોષ, :સચિવના રાજીનામાની માંગ
પોરબંદર, : પોરબંદર જિલ્લાની 24,000 વિધવા બહેનો બે મહિનાથી 1250 રૂપરડીની સહાયથી વંચિત છે. મોંઘવારીના કપરા કાળમાં ગરીબ વિધવા બહેનો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અનેક બહેનો વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવા મજબૂર બન્યા છે. જેથી સ્વાભાવિક રીતે જ બહેનોમાં આક્રોશ વધી રહ્યો છે.
છેલ્લા 2 મહિનાથી પોરબંદર જિલ્લાની એક પણ વિધવા બહેનના ખાતામાં 1250 રૂપિયા જમા ન થતાં ઘરના ચૂલા ઠંડા પડી ગયા છે. ઘરનું રાશન, દવાઓ અને બાળકોની ફી ભરવા ઊંચા વ્યાજે પૈસા લેવાની ફરજ પડી છે.
જ્યારે બહેનો સહાય કેમ નથી આવી તે માટે પૂછવા જાય છે ત્યારે ઉપરથી ગ્રાન્ટ આવી નથી એવો એક જ રટણ કરેલો જવાબ સંભળાવી દેવામાં આવે છે. ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ધૂમાડો કરતી સરકાર વિધવા બહેનોના 6 કરોડ ચૂકવવામાં ઠાગા-ઠૈયા કરી રહી હોવાથી બહેનોમાં રોષ ફેલાયો છે. ‘નારી શક્તિ વંદના’ જેવા સૂત્રોની પોલ આ વિધવા બહેનોએ ખોલી નાંખી હોય તેમ મહિલા અને બાળ વિકાસની આવી ઘોર બેદરકારી બદલ વિભાગના સચિવ તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણી આ ગરીબ વિધવા બહેનોએ કરી છે.















