![]()
કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વાડીએ જતા હતા ત્યારે બનાવ
એક યુવાન પરિવારમાં એકનો એક પુત્ર હતો, બીજા યુવાને તાજેતરમાં પોલીસ ભરતીની પરીક્ષા પાસ કરી હતી
કોડીનાર: પી.જી.વી.સી.એલની ગંભીર બેદરકારીને કારણે આજે કોડીનારના ઘાટવડ ગામના બે આશાસ્પદ નવયુવાનનો ભોગ લેવાયો છે. ઘાટવડ ગામે રહેતા પિતા-પુત્ર તથા અન્ય એક યુવાન સહિત ૩ લોકો બાઇક પર વાડીએ જતા હતા ત્યારે ૧૧ કે.વી વીજલાઇનનો જર્જરિત વીજ વાયર તૂટીને ત્રણેયની માથે પડતા દાઝી જતા પિતાની નજર સામે પુત્ર તથા અન્ય યુવાનનું મોત થયું છે.
કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આજે સવારના નવેક વાગ્યાના સુમારે દાનસિંહજી ઝાલા, તેનો પુત્ર મયુરધ્વજસિંહ ઝાલા તથા રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા એમ ત્રણ જણા સીમમાં તેમની વાડીએ જતા હતા ત્યારે પી.જી.વી.સી.એલના ૧૧ કેવી વીજ લાઇનનો જર્જરિત જીવંત વીજ વાયર તૂટીને તેમની માથે પડયો હતો. વીજ વાયર માથે પડતા ગંભીર રીતે દાઝી જતા મયુરધ્વજસિંહ (ઉ.વ.૨૧) અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા (ઉં. વ.૨૨)ના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે દાનસિંહજી ઝાલાને ગંભીર ઇજા થતાં તેને કોડીનાર હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. મૃતક મયુરધ્વજસિંંહ ઝાલા તેના પરિવારનો એકનો એક પુત્ર હતો, જ્યારે રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમાએ તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા પાસ કરી હતી. બે આશાસ્પદ યુવાનોના આકસ્મિક મૃત્યુ થતાં ઘાટવડ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
બનાવના પગલે ઘાટવડ ગામના લોકોમાં પીજીવીસીએલ સામે ભારે રોષ ફેલાયો છે. ઘાટવડ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ વાડી વિસ્તારમાં જર્જરીત થયેલા વીજ વાયરો નીચે કોઈ ગાર્ડનિંગ ન હોવાને કારણે વારંવાર પડવાથી ક્યારેક શેરડીનો ઉભો વાડ બળી જાય છે, તો ક્યારેક ઉભેલા ઘઉં બળી જાય છે અને ક્યારેક જીવતો વીજ વાયર માણસ ઉપર પડવાથી માણસોના મૃત્યુ નીપજે છે. આ વિસ્તારમાં જર્જરિત વાયરોની જગ્યાએ નવા વાયરો નાખવા અને રોડ ક્રોસના સ્થળે વીજ વાયરોનું ગાર્ડનિંગ કરી આપવામાં આવે તેવા માંગ કરાઇ છે.















