![]()
લુણકી અને હાથીગઢ ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટમાંથી રૂ. 24.97 લાખ સેરવી લીધા : તલાટીએ બરોડા બેન્કના 2 ખાતાધારકોના ખાતામાં નાણાં જમા કરાવ્યા બાદ બન્ને ખાતાધારકોએ નાણા ઉપાડી મદદગારી કરી
અમરેલી, : બાબરા તાલુકાના લુણકી અને હાથીગઢ ગ્રામ પંચાયતમાં 15મા નાણાપંચની સરકારી ગ્રાન્ટમાંથી રૂ. 24,97,766 ની માતબર રકમની ઉચાપત થઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ અંગે તત્કાલીન તલાટી કમ મંત્રી અને મદદગારીકરનારા અન્ય બે શખ્સો સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુભાષભાઇ રણછોડભાઇ પટેલ, (રહે. મેહુલ પાર્ક સોસાયટી, વિસનગર, જી. મહેસાણા) તા. 25/06/2018થી તા. 20/08/2033 સુધી લુણકી અને હાથીગઢ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા.આ ફરજ દરમિયાન બંને ગ્રામ પંચાયતના બેંક ઓફ બરોડાના સેવિંગ ખાતામાં 15મા નાણાપંચની ગ્રાન્ટ જમા થઈ હતી. આ સરકારી નાણાંમાંથી એસ.આર. પટેલે પોતાના અંગત ઉપયોગ માટે લુણકી ગ્રામ પંચાયતના ખાતામાંથી રૂ. 19,48,354 હાથીગઢ ગ્રામ પંચાયતના ખાતામાંથી રૂ. 5,49,412 કુલ રૂ. 24,97,766 ની રકમ બારોબાર સેરવી લીધી હતી.
આ કૌભાંડને અંજામ આપવા માટે આરોપી તલાટીએ સરકારી નાણાં બેંક ઓફ બરોડાના ખાતાધારક ગોવિંદભાઇ વિ. પટેલ અને ખાતાધારક ગીતાબેન પટેલ ના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ બંને આરોપીઓએ ખાતામાંથી નાણાં ઉપાડી લઈ તલાટીને ગુનો કરવામાં સીધી મદદગારી કરી હતી આ ઉપરાંત આરોપી તલાટી પોતાની સાથે 15મા નાણાપંચના જરૂરી સરકારી રજીસ્ટરો અને ફાઇલો પણ લઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ ચકચારી પ્રકરણમાં બાબરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.















