![]()
વડોદરાઃ ભાયલીમાં સસ્તામાં પ્લોટ અપાવવાના નામે ઉંડેરા વિસ્તારના એક મકાન માલિકને તેના ભાડૂતે જ ચૂનો ચોપડયો હોવાનો બનાવ બનતાં પોલીસે ભાડૂત તેમજ તેની પત્ની સામે ગુનો નોંધ્યો છે.
રિલાયન્સના ફાયર વિભાગમાં ફરજ બજાવતા બકુલભાઇ રાઠવા(કૃષ્ણદિપ સોસાયટી,ઉંડારા)એ પોલીસને કહ્યંુ છે કે,ડિસેમ્બર-૨૦૨૪માં મારા મકાનના ઉપરનો માળ રીયલ એસ્ટેટનું કામ કરતા વિજય કસુભાઇ ડામોર(વગેલા ગામ,ઝાલોદ)ને ભાડે આપ્યો હતો.
થોડા સમય બાદ વિજય ડામોરે ભાયલીમાં સસ્તામાં પ્લોટ મળે છે તેમ કહી અનિલ ગુપ્તા સાથે પરિચય કરાવ્યો હતો અને રૃ.૨૮ લાખમાં પ્લોટ નક્કી કરી રૃ.૧૦ લાખની થોડા સમય માટે મદદ પણ કરી હતી.ત્યારબાદ મેં પીએફ ઉપાડી તેમજ બચતના રૃપિયા મારફતે ભાડૂતને તેણે આપેલા ૧૦ લાખ તેમજ પ્લોટની રકમ મળી કુલ રૃ.૩૪.૫૨ લાખ ચૂકવ્યા હતા.જેમાં કેટલીક રકમ તેની પત્ની વૈભવીને પણ આપી હતી.
ભાડૂત વિજયે મારા પાડોશી કુલદીપ રાઠવાને પણ સોલરનું ટેન્ડર અપાવવાના નામે રૃ.૪.૧૨ લાખ લીધા હતા.પરંતુ ત્યારબાદ પ્લોટ કે ટેન્ડર અપાવ્યા વગર જ વિજય તેના પરિવાર સાથે ફરાર થઇ ગયો હતો.વળી પ્લોટનો માલિક અનિલ ગુપ્તા નહિ પણ વિજયનો પિતરાઇ ભાઇ અજય ડામોર હોવાની માહિતી મળી હતી.જેથી જવાહરનગર પોલીસે વિજય અને તેની પત્ની વૈભવી સામે ગુનો નોંધ્યો છે.















