![]()
વડોદરા, તા.14 દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે (ભારતમાલા હાઇવે)નો વડોદરા-ગોધરા વચ્ચેનો સ્ટ્રેચ પૂર્ણ થતાં તા.૧૩ એપ્રિલથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાયો છે. હાલમાં ટ્રાયલ બેઝ પર વાહનોની અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે ત્યારબાદ સત્તાવાર ઉદ્ધાટન કરવામાં આવશે.
ભારતમાલા પરિયોજના અંતર્ગત બનાવાયેલ આ સ્ટ્રેચ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના ભામૈયા ગામથી લઈને વડોદરા નજીકના સાવલી તાલુકાના ડોડકા ગામ સુધી વિસ્તરેલો છે. આ એક્સપ્રેસવે આઠ-લેન અને એક્સેસ-કન્ટ્રોલ્ડ છે. વડોદરા જિલ્લામાં આ હાઇવે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વેને જોડશે.
હાલમાં આ હાઇવે પર દક્ષિણ ગુજરાતમાં નવસારીથી છેક વડોદરા સુધીનો વાહન વ્યવહાર ચાલું છે અને દિલ્હી સુધીના હાઇવે માટે કેટલાક સ્થળે કામ ચાલી રહ્યું છે. વડોદરાથી ગોધરા સુધીના હાઇવે પર વાહન વ્યવહાર શરૃ કરાતા ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેનું જોડાણ સરળ બન્યું છે. આ હાઇવેથી મધ્યપ્રદેશના ઇન્દોર સુધી જવાની મુસાફરી માટે સમયની બચત થશે એટલું જ નહી પરંતુ અન્ય હાઇવે પરનું ટ્રાફિક દબાણ પણ ઘટશે.
વડોદરા જિલ્લાના દોડકાથી ગોધરા તાલુકાના ભામૈયા વચ્ચે ૬૬ કિલોમીટરનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે હાલમાં આ હાઇવે પર કોઇ ટોલ ટેક્સની વસૂલાત કરાતી નથી પરંતુ ગુજરાતમાં ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે.















