![]()
– ઇરાને 200 ડોલરના ભાવની ધમકી આપી જ છે
– વર્તમાન સપ્તાહના અંતે ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ 142 ડોલરને સ્પર્શી શકે તેવી આશંકા
નવી દિલ્હી : મધ્યપૂર્વના યુદ્ધના કારણે ભારતના ઓઇલના પુરવઠા જ નહીં માંગ સામે પણ મોટું જોખમ સર્જાયું છે. અમેરિકા-ઇઝરાયેલે ૨૮મીએ ઇરાન પર હુમલો કર્યો તેના અગાઉના દિવસે ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલર હતો. હવે તે યુદ્ધના લીધે ૧૩ માર્ચ સુધીમાં ૯૩ ટકા વધીને પ્રતિ બેરલ ૧૩૭ ડોલરને સ્પર્શીને ૧૨૭ ડોલર પર બંધ આવ્યો હતો.
ભારત તેની ક્રૂડ ઓઇલની જરુરિયાતોના ૮૮ ટકાની આયાત કરે છે ત્યારે ઊંચો ભાવ તેને મોટો ફટકો મારી શકે છે. આ સિવાય નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. જો યુદ્ધ જારી રહ્યુ તો વર્તમાન સપ્તાહના અંતે ભારતનીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ ૧૪૨ ડોલરને આંબી જાય તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
અહીં તે યાદ રાખવું જરુરી છે કે યુદ્ધમાં સંડોવાયેલા ઇરાને તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૨૦૦ ડોલરની ઉપર જાય તેની ચેતવણી આપી દીધી છે. આ ઊંચા ભાવના કારણે સ્થાનિક ઓઇલ રિફાઇનરો એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસી અને રિલાયન્સથી લઈને બધી રીફાઇનરીઓના નફા માર્જિન પર અસર પડી શકે છે.અમેરિકા જેવા દેશમાં ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈપણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય ભાવવધારો સીધો ગ્રાહકો પર પસાર કરી દેવામાં આવે છે, પરંતુ ભારત જેવા દેશમાં તેવું થતું નથી. સરકાર આટલા ભાવ વધવા છતાં પણ ૩૧ માર્ચ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરે તેવી સંભાવના હાલમાં લાગતી નથી.
અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ૨૦૦૮માં પણ સબપ્રાઇમ કટોકટી વખતે યુપીએ સરકાર હતી તે સમયે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલરની નજીક એટલે કે ૧૪૭ ડોલર પર પહોંચી ગયો હતો. સરકારે તે સમયે ઓઇલ કંપનીઓને ૧.૫ લાખ કરોડનો આઇલ બોન્ડ જારી કરીને પ્રજાને મોંઘવારીના મારમાંથી બચાવી લીધી હતી. તે સમયે પેટ્રોલનો ભાવ પ્રતિ બેરલ ૫૦થી ૬૦ રૂપિયાની વચ્ચે હતો.
અમેરિકામાં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો
ન્યૂયોર્ક : અમેરિકામાં રિટેલ ડીઝલનો સરેરાશ ભાવ સામવારે પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો હતો, જ્યારે પેટ્રોલનો ભાવ ૩.૭૬ ડોલરની નજીક છે અને ચાલુ સપ્તાહમાં તે પણ ચાર ડોલરને વટાવી જાય તેમ મનાય છે.મધ્યપૂર્વના યુદ્ધના કારણે ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ મનાતા ડીઝલનો પુરવઠો થંભી ગયો છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ડીઝલના ઊંચા ભાવ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિમાં નરમાઈ લાવી શકે છે. તેનું કારણ એ છે કે ઇંધણના ઊંચા ભાવનો બધો ખર્ચ ઉત્પાદન ખર્ચથી લઈને તેના નૂરભાડા સહિતનો બધો ખર્ચ ગ્રાહકો પર પસાર કરવામાં આવશે. અમેરિકા-ઇરાન યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે.















