![]()
ભારતના અંતરિક્ષ મિશનમાં મહત્વનું સીમાચિહ્ન
બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપની નવી ટેકનોલોજીથી દેશની સંરક્ષણ, કૃષિ, દરિયાઈ નિરીક્ષણમાં સહાય કરશે
નવી દિલ્હી: બેંગલુરુ સ્થિત સ્ટાર્ટ-અપ ગેલેક્સઆઈએ રવિવારે કેલિફોર્નિયાથી સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટ ઉપર તેનો ‘મિશન દ્રષ્ટિ’ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ ઉપગ્રહ વિશ્વના પ્રથમ ઓપ્ટોએસએઆર સેટેલાઈટ તરીકે ઓળખવામાં આવે છે જેમાં એક સિંગલ ઓપરેશનલ મંચ પર ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ (ઈઓ) અને સીન્થેટીક એપેર્ટચર રડાર(એસએઆર) ટેકનોલોજીનું સંયોજન કરાયું છે. આ પ્રક્ષેપણ ભારતના વિકસતા ખાનગી સ્પેસ ક્ષેત્રની મહત્વની સિદ્ધિ સમાન છે અને આધુનિક પૃથ્વી અવલોકન ટેકનોલોજીમાં દેશની વિસ્તરતી ભૂમિકા ઉજાગર કરે છે.
મિશન તમામ સ્થિતિ હેઠળ વિશ્વસનીય તસવીરો ઝડપવા ‘દ્રષ્ટિ’માં ઈઓ અને એસએઆર સેન્સરોની શક્તિઓનું સંયોજન કરાયું છે. ઈઓ દિવસ તેમજ સ્પષ્ટ વાતાવરણમાં તીક્ષ્ણ છબીઓ ઝડપે છે જ્યારે એસએઆર ટેકનોલોજી અંધારા, વાદળા અથવા વરસાદ જેવા કોઈપણ વાતાવરણમાં તસવીરો ઝડપવા રડાર પલ્સનો ઉપયોગ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર હવે ઉપગ્રહ કાર્યાન્વિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જ્યારે તેના ઓપ્ટોએસએઆર પેલોડ દ્વારા ઉત્પન્ન વિશિષ્ટ ડાટાસેટમાં વિશ્વભરમાંથી મજબૂત રુચિ પ્રાપ્ત થઈ રહી છે.
એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ઉપગ્રહથી સંરક્ષણ, કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, દરિયાઈ નિરીક્ષણ અને માળખાકીય પ્લાનિંગ સહિત વિવિધ ક્ષેત્રોને મદદ મળશે. ગેલેક્સઆઈના જણાવ્યા મુજબ આ ટેકનોલોજીથી વધુ સાતત્યપૂર્ણ અને વિશ્વસનીય ડાટા કલેક્શન દ્વારા પરંપરાગત પૃથ્વી નિરીક્ષણ સીસ્ટમની લાંબા સમયની મર્યાદા દૂર થઈ છે. ઉપરાંત મિશન દ્રષ્ટિ ભારતની વ્યાપક પૃથ્વી નિરીક્ષણ ક્ષમતાને મજબૂત બનાવશે અને ઈસરો દ્વારા પહેલેથી નિર્ધારીત સક્રિય ઉપગ્રહોના નેટવર્કમાં પૂરક બનશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રક્ષેપણ પાંચ વર્ષના સઘન સ્વદેશી સંશોધન, પર્યાવરણ ચકાસણી અને પરફોર્મન્સ સત્યાપન પછી કરાયું છે. ગેલેક્સઆઈ હવે ૨૦૩૦ સુધીમાં દસ ઉપગ્રહોના સમૂહમાં મિશન દ્રષ્ટિનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે અને ભારત માટે મજબૂત સ્વદેશી પૃથ્વી નિરીક્ષણ માળખું બનાવવા માગે છે.















