![]()
બુધવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ
શહેર-જિલ્લાની ચૂંટણીમાં ૧૧૪૧ ઉમેદવારી ફોર્મ રહ્યા છે
ભાવનગર – વનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ જામ્યો છે ત્યારે આવતીકાલે બુધવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ છે તેથી ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે.
મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી તા. ર૬ એપ્રિલના રોજ યોજાવાની છે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી થઈ ગઈ છે અને આવતીકાલે બુધવારે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારો બપોરના ૩ કલાક સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. કેટલાક અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી ચર્ચા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૧૭૫ર માંથી ડમી સહિતના ૬૧૧ ઉમેદવારીપત્રક અમાન્ય જાહેર કરાયા હતાં. ભાવનગર મહાનગરપાલિકા, ૧૦ તાલુકા પંચાયત, ૩ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દાવેદારી કરનાર ઉમેદવારોના ગઈકાલે સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકામાં ૨૯૨માંથી ૨૧૬ ફોર્મ માન્ય રહ્યા હતાં. જિલ્લા પંચાયતમાં ૨૦૯માંથી ૧૪૦ ઉમેદવારીપત્રક માન્ય, તાલુકા પંચાયતમાં ૮૫૫માંથી ૬૩૩ ફોર્મ માન્ય, મહાપાલિકાની ચૂંટણીમાં ૪ર૬ માંથી ૧પર ફોર્મ માન્ય રહ્યા હતાં.
અપક્ષ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા કસરત શરૃ
ભાવનગર શહેર અને જિલ્લામાં ઘણા અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા છે. આ અપક્ષ ઉમેદવારો મુખ્ય પાર્ટીના ઉમેદવારોના હાર-જીતના સમીકરણો બદલી શકે છે તેથી અપક્ષ ઉમેદવારો તેમજ અન્ય પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે હાલ મુખ્ય પાર્ટીના આગેવાન અને ઉમેદવારો કસરત કરી રહ્યા હોવાનુ કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે.















