![]()
ફરજ મોકૂફી દરમિયાન ગારિયાધાર મામલતદાર કચેરીમાં રહેવું પડશે
જિલ્લાના કોઈ અધિકારી-કર્મચારીની આવી વર્તુંણક ચલાવી નહીં લેવાઈ ઃ જિલ્લા કલેક્ટર
ભાવનગર – ભાવનગરમાં દારૃ પી જાહેરમાં ડીંડક કરતા નાયબ મામલતદારને બે-બે વખત પોલીસે ઉઠાવી લીધા બાદ જિલ્લા કલેક્ટરે પીધલી ના.મામલદાર સામે લાલ આંખ કરી તેમને ફરજ મોકૂફ કરી દીધા છે.
શહેરની મધ્યાહન ભોજન યોજના-કોર્પોરેશન કચેરીના નાયબ મામલતદાર મેહુલ એન. ભટ્ટ ગત તા.૧૭-૩-૨૦૨૬ના રોજ મ.ભો.યો, કોર્પોરેશન, પરિમલ ચોક પાસે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા નિલમબાગ પોલીસે ના.મામલતદારને ઝડપી લઈ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ ગત તા.૬-૫ના રોજ પણ સાંજના સમયે મહેસૂલી મહેકમના કર્મચારી મેહુલ ભટ્ટ સુભાષનગર, માનસદર્શન કોમ્પલેક્ષ પાસે પીધેલી હાલતમાં મળી આવતા ઘોઘારોડ પોલીસે ધરપકડ કરી લોકઅપમાં પુરી દીધા હતા.
નાયબ મામલતદારે વારંવાર ગુજરાત રાજ્ય સેવા (વર્તુંણક) નિયમો-૧૯૭૧ના નિયમોનો ભંગ કરેલ હોય, ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરી મેહુલ એન. ભટ્ટને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. ફરજ મોકૂફી દરમિયાન તેમનું મુખ્ય મથક ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલ છે. વધુમાં જિલ્લાના કોઈ અધિકારી-કર્મચારી દ્વારા આવી વર્તુંણક ચલાવી નહીં લેવાઈ તેમજ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું.















