![]()
મહુવા પોલીસ મથકમાં અલગ-અલગ બે ગુના નોંધાયા
આર્થિક ફાયદા માટે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું, સાયબર
ફ્રોડના કુલ રૃ.૯.૪૬ લાખ ઉપાડી લીધાં
ભાવનગર – મહુવામાં આર્થિક
ફાયદા માટે બેંક એકાઉન્ટ ભાડે આપી આવા મ્યૂલ એકાઉન્ટ થકી સાયબર ફ્રોડના કુલ
રૃ.૯.૪૬ લાખ સગેવગે કરનારા ચાર શખ્સોને મહુવા પોલીસે ઝડપી લઈ અલગ-અલગ બે ગુના
નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહુવા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાના સેવિંગ્સ એકાઉન્ટમાં સાયબર
ફ્રોડના નાણાં જમા થઈ અલદ-અલગ રીતે નાણાં ઉપાડી સગેવગે કરી દીધાં હોવાની મ્યૂલ
એકાઉન્ટ અંગેના સીઆઈડી ક્રાઈમના ઈનપુટના આધારે મહુવા પોલીસે તપાસ કરતા નવાજ
ઈરફાનભાઈ ડુંગરિયા (રહે.મહુવા) અને સરફરાજ હમીદભાઈ લાખાણી (રહે.સાંઢિયાવાડ, ભાવનગર)એ
ભેગા મળીને નવાઝના બેંક એકાઉન્ટમાં ગત તા.૧૪-૦૪-૨૦૨૫થી ૨૫-૦૫-૨૦૨૫ દરમિયાન સાયબર
ફ્રોડના કુલ રૃ.૯,૨૪,૪૯૧ અલગ-અલગ રીતે
ઉપાડી નાણાં સગેવગે કર્યાં હોવાની કબૂલાત આપી હતી. જેમાં નવાઝે પોતાનું બેંક
એકાઉન્ટ સરફરાઝને ભાડે આપ્યું હતું જેના બદલામાં તેને રૃ.૧૦ હજાર મળ્યા હતા. મહુવા
પોલીસે બન્નેને ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં મહુવાન મેમણ
કોલોનીમાં રહેતા સાહિલ ઈદ્રીશભાઈ પોપટીયાએ આર્થિક ફાયદા માટે પોતાનું પંજાબ એન્ડ
સિંધ બેંક મહુવાનું મ્યૂલ એકાઉન્ટ અમરેલીના સાવરકુંડલા ખાતે રહેતા વસીમ ઉસ્માનભાઈ
શેખને વાપરવા માટે આપ્યું હતું. જેમાં સાયબર ફ્રોડના કુલ રૃ.૨૧,૫૯૩ અલગ-અલગ રીતે ઉપાડી સગેવગે કરવામાં આવ્યા હતા. મહુવા પોલીસે ઉક્ત
બન્ને શખ્સને ઝડપી લઈ અલગની ગુનો નોંધ્યો હતો. આમ, સાયબર
ફ્રોડના કુલ રૃ.૯.૪૬ લાખ સગેવગે કરી ગુનો આચરનારા ચાર શખ્સોને મહુવા પોલીસે ઝડપી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મ્યૂલ એકાઉન્ટ સામે દેશભરમાંથી ૧૦ અરજી થઈ
મહુવા ખાતે બેંક ઓફ બરોડાના મ્યૂલ એકાઉન્ટ સામે તમિલનાડુંના ચેન્નઈ, સુરત,
કેરળના કોઝિકોડના કસ્બા શહેર અને પલ્લકડ ખાતે સાયબર ફ્રોડની કુલ ચાર
અરજીઓ થઈ હતી. જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંકના મ્યૂલ એકાઉન્ટ સામે અલગ-અલગ રાજ્યમાં
કુલ-૬ સાયબર ફ્રોડની અરજી થઈ હતી.















