– રિટેલ પછી જથ્થાબંધ ફુગાવો પણ ઊંચો આવ્યો
– ખાડીયુદ્ધે અર્થતંત્રના સમીકરણો ખોરવ્યા: એપ્રિલ અને મેમાં ઇંધણ ફુગાવામાં નોંધપાત્ર વધારો નોંધાયો
નવી દિલ્હી : ભારતમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. રિટેલ ફુગાવો ૧૬ મહિનાના ઊંચા સ્તર ૩.૯૮ પર પહોંચ્યા પછી હવે જથ્થાબંધ ફુગાવો પણ મેમાં ડબલ ફિગરની નજીક ૯.૬૮ ટકાએ પહોંચી ગયો છે, એપ્રિલેમાં જથ્થાબંધ ફુગાવો ૮.૨૬ ટકા પર હતો. જો કે આ વખતે ફુગાવાની ગણતરીમાં આધાર વર્ષ ૨૦૧૧-૧૨થી બદલીને ૨૦૨૨-૨૩ કરવામાં આવ્યું છે અને ૬૯૭ના બદલે ૯૫૭ ચીજવસ્તુનો સમાવેશ કરાયો છે.
જથ્થાબંધ ફુગાવામાં વધારો થવાનું મુખ્ય કારણ ખાડીયુદ્ધના કારણે ઇંધણ, વીજળી અને મિનરલ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. સરકારે અર્થતંત્રનું બદલાતું સ્વરૂપ જોતાં જથ્થાબંધ ફુગાવાના બાસ્કેટમાં પણ ફેરફાર કર્યા છે. તેમા પહેલા વખત સૌર ઉર્જા અને પવન ઉર્જાથી ચાલતા સ્ત્રોતોનો સમાવેશ કરાયો છે. તેની સાથે પરમાણુ વીજળીને પણ બાસ્કેટમાં સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત કાચા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસને હવે પ્રાથમિક વસ્તુઓમાંથી દૂર કરીને ઇંધણ અને વીજળી સમૂહમાં સામેલ કરવામાં આવ્યા છે. વજન નક્કી કરવા માટે ગ્રોસ વેલ્યુ ઓફ આઉટપુટનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્થાનિક ઉત્પાદનને વધુ ચોકસાઈપૂર્વક દર્શાવે છે.
આ ઉપરાંત ભારતે વૈશ્વિક માપદંડો અને આઇએમએફની ભલામણોને અપનાવતા હવે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (પીપીઆઈ)નો પ્રારંભ કરી રહ્યુ છે. આગામી પાંચ વર્ષ સુધી ડબલ્યુપીઆઈ અને પીપીઆઈ બંને હશે, પછી ડબલ્યુપીઆઈ બંધ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં સાત મુખ્ય સેવાઓ માટે સર્વિસ પીપીઆઈ જારી કરવામાં આવ્યો છે. તેમા બેન્કિંગ, વીમા, દૂરસંચાર, રેલ્વે અને વિમાનનો સમાવેશ થાય છે. જૂની સીરીઝ ૨૦૧૧-૧૨ને નવી સીરિઝ ૨૦૨૨-૨૩ સાથે જોડવા માટે સરકારે લિંકિંગ ફેક્ટર પણ જારી કર્યુ છે. બધી વસ્તુઓ માટે આ ફેક્ટર ૧.૫૩ ટકા નિર્ધારિત કર્યુ છે.
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ સમૂહોમાં જોઇએ તો મિનરલ ઓઇલ (પેટ્રોલિયમ પ્રોડક્ટ સહિત), ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ઉત્પાદિત રસાયણો અને કેમિકલ પ્રોડક્ટ્સ, બેઝિક મેટલ્સનું ઉત્પાદન, એપ્રિલ અને મે ૨૦૨૬માં ભાવવૃદ્ધિના મુખ્ય પ્રેરકબળ હતા.
જથ્થાબંધ ફુગાવામાં ૧૪.૧ ટકા જેટલો ભારાંક ધરાવતા ઇંધણ અને ઉર્જા સેક્ટરમાં ફુગાવો એપ્રિલના ૨૪.૬૬ ટકાથી નોંધપાત્ર વધી મેમાં ૩૦.૩૩ ટકા થયો છે. મેમાં ક્રૂડ પેટ્રોલિયમમાં ફુગાવો ૬૧.૫૧ હતો, જે અગાઉના મહિનામાં ૫૬.૩૧ હતો. હોર્મુઝની ખાડી બંધ રહેવાના કારણે પશ્ચિમ એશિયાની કટોકટીના પગલે ભારતમાં આયાત થતું ક્રૂડ વધુ મોંઘુ બન્યુ હતું. તેની અસર અનાજના ભાવ પર વર્તાઈ હતી. ફૂડમાં ફુગાવો મેમાં વધીને ૩.૬૦ ટકા થયો હતો, જે એપ્રિલમાં ૨.૪૩ ટકા હતો. જ્યારે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનો ફુગાવો એપ્રિલના ૬.૬૮ ટકાથી વધીને મેમાં ૭.૪૮ ટકા થયો હતો.
ઇકરાના પ્રિન્સિપાલ ઇકોનોમિસ્ટ રાહુલ અગ્રવાલનું કહેવું છે કે અમેરિકા-ઇરાન વચ્ચેનું યુદ્ધ ખતમ થતાં પશ્ચિમ એશિયાની કટોકટી પૂરી થઈ જવાની અસરનું પ્રતિબિંબ ડબલ્યુપીઆઈના જૂન ૨૦૨૬ના આંકડામાં પડશે. આ ઉપરાંત ચોમાસા પર અલ-નીનોની અસર થવાની છે. તેના કારણે પણ નજીકના ભવિષ્યમાં અનાજના ભાવ તો ઊપર જ રહેશે.















