![]()
વડોદરા,સંગમ ચાર રસ્તા પાસે આવેલી મોબાઇલ શોપના એકાઉન્ટ મેેનેજર તથા તેમની પત્નીએ કંપનીના બેન્ક એકાઉન્ટના પોર્ટલમાં ડેટા નાખી ૨.૩૨ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હરણીરોડ સુભાષપાર્ક સોસાયટીમાં રહેતા સોનીયાબેન સુશાંતભાઇ માખીજાની સંગમ ચાર રસ્તા પર એસ.કે. ઇન્ફીનિટીટ્રેડ પ્રા.લિ. નામની દુકાન ધરાવી મોબાઇલ ટ્રેડિંગનો ધંધો કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપનીમાં મિનલ મનોહરભાઇ ક્ષીરસાગર (રહે.બનયાન સિટિ, ઓમકાર હેરિટેજ સામે ન્યુ કારેલીબાગ) ઓગસ્ટ ૨૦૧૭ થી એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તા.૦૩-૧૨-૨૦૨૫ ના રોજ અમારા એકાઉન્ટન્ટ ભદ્રેશભાઇ પરમાર પાસે ઓડિટ કરાવતા તેઓએ અમને જણાવ્યું હતું કે, મિનલે એકાઉન્ટ મેનેજરની ફરજ દરમિયાન તેમના પત્ની પ્રાચી સાથે મળી તા. ૦૧-૦૧-૨૦૨૫ થી તા.૦૩-૧૨-૨૦૨૫ દરમિયાન બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અમારી કંપનીના બેન્ક એકાઉન્ટના પોર્ટલમાં પોતાના અલગ – અલગ એકાઉન્ટ નંબરો નાખી ડિજિટલ રેકર્ડ ઉભા કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, કંપનીના એકાઉન્ટમાં જમા થયેલા રૃપિયા પૈકી ૫૭.૮૦ લાખ પોતાના એકાઉન્ટમાં ચેકથી ટ્રાન્સફર કરી લીધા હતા. તેમજ દુકાનમાં આવતા રોકડા રૃપિયા મોબાઇલ શોપના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરાવી ૧.૭૫ કરોડ પડાવી લીધા હતા. આમ, આરોપીએ કુલ ૨.૩૨ કરોડની ઉચાપત કરી હતી.















