Reliance Retail Acquires Anomaly: રિલાયન્સ રિટેલ લિમિટેડ (RRL)એ 30 એપ્રિલ 2026ના રોજ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ (Anomaly)ને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. આ ડીલમાં બ્રાન્ડના તમામ ટ્રેડમાર્ક્સ, સંપત્તિઓ અને ડિજિટલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે, જે રિલાયન્સના બ્યુટી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ આ પગલાને વ્યૂહાત્મક ગણાવ્યું છે.
હેરકેર બ્રાન્ડ છે એનોમલી
એનોમલી બ્રાન્ડની સ્થાપના પ્રિયંકા ચોપરા દ્વારા 2021માં કરવામાં આવી હતી. આ એક ક્લીન, વિગન અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હેરકેર બ્રાન્ડ છે, જે ગ્રાહકોને પરવડે તેવી કિંમતે ઉત્પાદનો પૂરા પાડે છે. અત્યાર સુધી આ બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાની મજબૂત હાજરી બનાવી ચૂકી છે.

આ બ્રાન્ડને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડીશું: ઈશા અંબાણી
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું કે, ‘એનોમલીનું સંપાદન અમારા બ્યુટી પોર્ટફોલિયોને મજબૂત કરવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. રિલાયન્સ પોતાના વિશાળ રિટેલ નેટવર્ક અને ‘Tira’ જેવા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા આ બ્રાન્ડને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડશે.’
પ્રિયંકા ચોપરા ‘ક્રિએટિવ ડાયરેક્ટર’ તરીકે જોડાયેલા રહેશે
આ નવા ફેરફારમાં પ્રિયંકા ચોપરા ‘ક્રિએટિવ ડાયરેક્ટર’ તરીકે બ્રાન્ડ સાથે જોડાયેલી રહેશે. તે બ્રાન્ડના વિઝન, નવી પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ અને ઇનોવેશનમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. પ્રિયંકાએ આ ભાગીદારીને એનોમલી માટે એક ઉત્સાહજનક નવો અધ્યાય ગણાવ્યો છે. કંપનીનું હવે પછીનું મુખ્ય લક્ષ્ય ભારત પર રહેશે, જ્યાં ભારતીય વાળ અને સ્કાલ્પની જરૂરિયાતો મુજબ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે.
રિલાયન્સ રિટેલ: ભારતનું સૌથી મોટું રિટેલ નેટવર્ક
આ સાથે જ ઉત્તર અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને મધ્ય પૂર્વના દેશોમાં પણ બ્રાન્ડનો વ્યાપ વધારવામાં આવશે. રિલાયન્સ રિટેલ અત્યારે ભારતનું સૌથી મોટું રિટેલ નેટવર્ક ધરાવે છે, જેના 20,160થી વધુ સ્ટોર્સ છે. માર્ચ 2026માં પૂરા થયેલા વર્ષમાં કંપનીએ 3,70,026 કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 27,033 કરોડનું EBITDA નોંધાવ્યું છે. હાલમાં કંપની 387 મિલિયન(38 કરોડ)થી વધુ નોંધાયેલા ગ્રાહકો ધરાવે છે. આ સંપાદન સાથે રિલાયન્સ રિટેલ ભારતીય અને વૈશ્વિક બ્યુટી માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે.















