![]()
મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર નવેસરથી હુમલા કરાશે તેવા વહેતા થયેલા અહેવાલો તથા હોર્મુઝ ખાડીમાં નાકાબંધી વધારી ઈરાનને આર્થિક નુકસાન પહોંચાડવાના ટ્રમ્પના સંકેતને પગલે વિશ્વબજારમાં ક્રુડ તેલના ભાવમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રુડ તેલ ગુરુવારે ઈન્ટ્રાડેમાં ઉપરમાં પ્રતિ બેરલ ૧૨૬ ડોલરને પાર કરી ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.
ક્રુડ તેલના ભાવમાં આવેલા ઉછાળાને પરિણામે ભારતીય રૂપિયા પર દબાણ વધ્યુ હતુ અને ડોલર સામે ૯૫ને પાર કરી નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ક્રુડ તેલના ઊંચા ભાવ તથા રૂપિયામાં દબાણને પગલે ઘરઆંગણે ફુગાવો વણસવાની નીતિવિષયકોમાં ચિંતા પ્રવર્તી રહી છે.
ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી ફન્ડોના સતત આઉટફલોને પગલે રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું. ગુરુવારે ઈન્ટ્રાડેમાં ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં ૯૫.૩૪ સાથે નવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન રૂપિયો વોલેટાઈલ રહ્યા બાદ છેવટે તળિયેથી પાછો ફરી ૯૪.૯૨ ઓલ ટાઈમ નીચો બંધ રહ્યો હતો. રૂપિયાને વધુ ઘટતો અટકાવવા રિઝર્વ બેન્કની દરમિયાનગીરી આવી હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા હતા.
ભારત ક્રુડ તેલની આયાત પર વધુ નિર્ભર કરતો હોવાથી ઊર્જા ભાવમાં કોઈપણ વધારાથી દેશના આયાત બિલમાં વધારો થાય છે, જે છેવટે ડોલરના આઉટફલોમાં વધારો કરાવે છે અને રૂપિયા પર દબાણ લાવે છે.
આયાતકારો તરફથી ડોલરની માગ વધી રહી હોવાને કારણે પણ રૂપિયા સામે ડોલરમા ંમજબૂતાઈ જોવા મળી રહી છે. ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોનો વર્તમાન વર્ષમાં જંગી આઉટફલો થઈ રહ્યો છે. ૨૦૨૬માં એફઆઈઆઈએ અત્યારસુધીમાં ૨૦ અબજ ડોલરની ઈક્વિટીનું વેચાણ કર્યું છે જે ગયા સંપૂર્ણ વર્ષ કરતા વધુ છે.
બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વે બે દિવસની બેઠક બાદ નાણાં નીતિનું જક્કી વલણ જાળવી રાખ્યું હતું. જક્કી વલણની સ્થિતિમાં સામાન્ય રીતે ડોલર મજબૂત બનતો હોય છે અને વૈશ્વિક લિક્વિડિટીની તાણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં ઊભરતી બજારોની કરન્સી જેમ કે રૂપિયા માટેના આકર્ષણમાં ઘટાડો થાય છે.
ફોરેક્સ ભાવ
|
ડોલર |
રૃા. ૯૪.૯૨ |
|
પાઉન્ડ |
રૃા. ૧૨૮.૨૩ |
|
યુરો |
રૃા. ૧૧૧.૦૬ |
|
યેન |
રૃા. ૦.૫૯ |















