![]()
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ફર્ટિલાઈઝરના ભાવમાં થયેલા ધરખમ વધારાને ધ્યાનમાં રાખતા ભારત સરકારનું ફર્ટિલાઈઝર સબસિડી બિલ વર્તમાન નાણાં વર્ષમાં અંદાજ કરતા બમણું રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં ફર્ટિલાઈઝર સબસિડી બિલ ૧.૭૦ ટ્રિલિયન રહેવાનો અંદાજ મુકાયો છે.
ફર્ટિલાઈઝર એ રાજકીય દ્રષ્ટિકોણથી સંવેદનશીલ મુદ્દો હોવાથી સરકાર તેનો બોજ ખેડૂતો પર લાદી શકતી નથી. ખાતરના ભાવમાં કોઈપણ વધારાનો બોજ સરકારે પોતે જ ઉઠાવવો પડે છે અને તે હકીકતને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષનું બિલ બજેટ અંદાજ કરતા વધી બમણું રહેવાની શકયતા જોવાઈ રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા- ઈરાન યુદ્ધ શાંત પડવાનું નામ લેતુ નથી જેને પરિણામે હોર્મુઝ ખાડીનો રસ્તો પણ ખૂલી શકતો નથી, જેની અસર ફર્ટિલાઈઝરના પૂરવઠા પર પણ પડી રહી છે. ખાતર મંત્રાલયના અધિકારીઓએ આ સંદર્ભમાં નાણાં મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે અને વધુ નાણાં છૂટા કરવા અનુરોધ કરાયો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
ખાતરનો સ્ટોક ઘટી રહ્યો છે અને પૂરવઠો પણ ઘણો જ મર્યાદિત માત્રામાં થઈ રહ્યો છે. આ અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધના પ્રારંભમાં નાણાં વર્ષ ૨૦૨૩માં ફર્ટિલાઈઝર સબસિડી બિલ રૂપિયા ૨.૫૦ ટ્રિલિયન જેટલુ ઊંચુ રહ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં જો સબસિડીમાં ૧૦૦ ટકા વધારો કરાશે તો બિલ વધી ૩.૪૦ ટ્રિલિયન રૂપિયા પર પહોંચી જશે.
ખાતરની આયાત નિર્ભરતા ઘટાડવા સરકાર ઘરઆંગણે ઉત્પાદન વધારવા પ્રયાસ કરી રહી છે. ખાતર ઉપરાંત સરકારે તેલ કંપનીઓને પણ ટેકો પૂરો પાડવાનો વારો આવ્યો છે.
પશ્ચિમ એશિયા કટોકટીને પરિણામે યુરિયા તથા અન્ય ફર્ટિલાઈઝરનો આયાત ખર્ચ વધી જવાને કારણે સબસિડી બિલ વધી રૂપિયા ૩.૪૦ટ્રિલિયન પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે. વર્તમાન નાણાં વર્ષનું દેશનું ફર્ટિલાઈઝક સબસિડી બિલ તાજેતરના વર્ષોમાં સૌથી ઊંચુ રહેવાની સરકારી સુત્રો દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી છે.









