![]()
વડોદરા, તા.4 વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટિ એટલે કે વુડાની હદમાં આવેલા વડોદરાના છેડાના ગામો અથવા વિસ્તારોના વિકાસ માટે દર વર્ષે આશરે રૃા.૫૦૦ કરોડનું બજેટ હોવા છતાં વુડામાં હંમેશા ચાર્જમાં જ મુખ્ય અધિકારી રહેતા હોય છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાનો વિકાસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે આ સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તાર સિવાયના વુડા વિસ્તારમાં પણ મોટાપાયે પ્રોજેક્ટો હાથ ધરાયા છે. આ ઉપરાંત વુડા વિસ્તારમાં જ સૌથી મોટા રિંગ રોડનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે જે હજી સુધી પૂર્ણ થઇ શક્યુ નથી. આમ વુડા વિસ્તારમાં અનેક વિકાસના કામો હાથ ધરાતા હોવા છતાં વુડામાં મહત્વની પોસ્ટ એટલે કે ચીફ એક્ઝિક્યૂટિવ ઓથોરિટિ (સીઇએ) હંમેશા ઇન્ચાર્જમાં જ ચાલતી હોય છે.
વુડામાં ચાલતા અનેક વિકાસકામોનું વાર્ષિક બજેટ આશરે રૃા.૫૦૦ કરોડથી પણ વધુ રકમનું હોવા છતાં કાયમી સીઇએની નિમણૂંક સરકાર દ્વારા કરવામાં આવતી નથી. મોટા ભાગે આ મહત્વની પોસ્ટ પર ઇન્ચાર્જ અધિકારી જ હોય છે. રિંગ રોડનું મહત્વનું કામ પણ વર્ષોથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલું જ નહી પરંતુ ટીપી સ્કીમો પણ જ્યારે સરકારમાં મોકલવામાં આવે છે તે પણ યોગ્ય સમયે મંજૂર થઇને આવતી નથી. આમ વુડામાં કાયમી અધિકારી નહી હોવાથી વુડાના અનેક વિસ્તારોમાં વિકાસ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હોય છે.
વર્ષ-૨૦૧૧થી વુડામાં સીઇએ તરીકે ૧૭ પોસ્ટિંગ થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ એક પોસ્ટિંગ થાય છે. આ ૧૭ પોસ્ટિંગોમાં ૧૦ અધિકારીઓ તો સીઇએના ચાર્જમાં જ હતાં. જેઓ કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારી અથવા કોર્પોરેશનમાં ડેપ્યૂટિ મ્યનિસિપલ કમિશનર હોય. બી.ડી. દેવરાનું જૂન-૨૦૨૫માં પોસ્ટિંગ થયું હતું પરંતુ માંડ એક વર્ષ થયું અને તેમની બદલી કરી દેવામાં આવતા ફરી આ જગ્યા હવાલામાં જતી રહી છે. અગાઉ પણ બે ઇન્ચાર્જ અધિકારી હતા તે પૂર્વે જે.વાય. પ્રજાપતિ હતા જેઓ પણ માંડ આઠ મહિના રહ્યા હતા અને બાદમાં તેમની બદલી થઇ ગઇ હતી.














