![]()
લોધિકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
પતિ પુત્રોને પાસે રહેવા દેતો ન હતો, અવાર-નવાર ઝઘડો કરી મારકૂટ કરતો હોવાનો આરોપ
રાજકોટ: લોધિકામાં પાણીના ટાંકા પાસે રહેતા જાગૃતિબેન ડાભી (ઉ.વ.૩પ)ને સંતાનો પાસે રાખવા બાબતે પતિ મનદીપ દીપકભાઈ ડાભીએ અવાર-નવાર ગાળો દઈ, મારકૂટ કરી, ત્રાસ આપતાં એસિડ પી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
જાગૃતિબેન ડાભીએ લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન ૧પ વર્ષ પહેલાં થયા હતા. સંતાનમાં બે પુત્રો છે. પતિ બંને દિકરાને તેની પાસે રહેવા દેતો ન હતો. તેમજ સાસુને ત્યાં મૂકી આવતો હતો. તેમજ પતિ અવાર-નવાર ઝઘડો કરી ત્રાસ આપતો હતો. એટલું જ નહીં મારકૂટ પણ કરી માવતરના ઘરે મોકલી દેતો હતો.
બે મહિના પહેલાં તેના બંને પુત્રોને પતિ સાસુના ઘરે મુકી આવ્યો હતો. તે બંને પુત્રોને પાસે રહેવા દેતો ન હોવાથી અને અવાર-નવાર ઝઘડો કરી ત્રાસ આપતો હોવાથી તે નાના પુત્રને લઈને માવતરે જતી રહી હતી. બે દિવસ બાદ પતિ દિકરાને તેડી ગયો હતો. તેને સંતાનો વગર ગમતું નહીં હોવાથી પાંચેક દિવસ બાદ તે માતા સાથે લોધિકાથી પુત્રને તેડી રાજકોટ આવી હતી.
જેના બે દિવસ બાદ પતિ પરત પુત્રને તેડી ગયો હતો. ગઈ તા.૧રના તે લોધિકા ગયા બાદ ઘરે કોઈ ન હોવાથી કામ કરવા લાગી હતી. પતિનો ફોન આવતાં હું ઘરે આવી ગઈ છું કહેતાં તું ઘરે કેમ આવી છો, તને તેડાવેલ નથી, તું પાછી ચાલી જા તેમ કહ્યું હતું. થોડી વાર બાદ પતિ ઘરે આવતા ઝઘડો કરવા લાગ્યો હતો.
તેને બંને પુત્રો બાબતે પુછતા તે બાના ઘરે છે, તારે તેને મળવાનું નથી તેમ કહેતાં તેને બંને દિકરા મારા છે તેમ જવાબ આપતાં તેને મારકૂટ કરી ઢસડીને રૂમની બહાર કાઢી મુકી હતી. આથી લાગી આવતા અને એસિડ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. લોધિકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.















