![]()
વડોદરાઃ શહેરના સમા કેનાલ વિસ્તારમાં એક ટેમ્પો ચાલકને મેમો આપવાના મુદ્દે ટ્રાફિકના પીએસઆઇએ ચાલકને લાફા ઝીંકતા પોલીસ કમિશનરે તાત્કાલિક પીએસઆઇની બદલી કરી ટ્રાફિકના એસીપીને તપાસ સોંપી છે.
સમા કેનાલ વિસ્તારમાં બનેલા બનાવના વાયરલ વીડિયોમાં ઓવરલોડ ટેમ્પોના ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહિ હોવાથી ટ્રાફિકના પીએસઆઇ કે એમ માલીવાડે મેમો આપવાની તૈયારી કરી હતી.
આ વખતે ટેમ્પાવાળા કલ્પેશ ચુનારા (ગાજરાવાડી)એ પીએસઆઇ સમક્ષ રજૂઆત કરી હતી અને મેમો ભરવાની તૈયારી પણ દર્શાવી હતી.પરંતુ આ દરમિયાન બંને વચ્ચે રકઝક થતાં પીએસઆઇએ લાફા ઝીંક્યા હતા.સામે પક્ષે પીએસઆઇએ ટેમ્પો ચાલકે તેમને ગાળો દીધી હોવાનો વળતો આક્ષેપ કર્યો છે.
ઉપરોક્ત બનાવનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરે પીએસઆઇની બદલી કંટ્રોલરૃમ(લીવ રીઝર્વ)માં કરી એસીપીને તાત્કાલિક રીપોર્ટ સોંપવા કહ્યું છે.આ બનાવમાં પીએસઆઇના બોડીવોર્ન કેમેરા પરથી સાચી હકિકત બહાર આવશે.















