![]()
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા હવે ગંદકી કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે વોર્ડ નંબર 14માં આવેલા રામ કૃપા સ્ટોરને સીલ મારવા આવ્યું હતું.
વડોદરા શહેરમાં એક તરફ વેરા વસુલાતની કામગીરી દરમિયાન બાકીદારોની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતી હતી. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ રીવ્યુ બેઠકમાં સફાઈ ઝુંબેશ પર વધુ ભાર મૂક્યો હતો અને અવારનવાર ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વડોદરા શહેરમાં એક બાજુ રોજે રોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે સફાઈ થઈ ગયા બાદ અથવા તો દુકાન બંધ કરવાના સમયે દુકાનદાર કચરો દુકાનની બહાર નાખીને જતા રહેતા હોય છે તેવા વેપારીઓ સામે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર, વોર્ડ નંબર 14 ના વોર્ડ ઓફિસર મહેશ રબારી તથા સ્ટાફ દ્વારા આજે ચાર દરવાજા વિસ્તારમાં સફાઈ ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન માંડવી પાણીગેટ રોડ પર આવેલી રામકૃપા સ્ટોર નામની દુકાનના સંચાલક દ્વારા કચરો બહાર ફેંકવામાં આવ્યો હોવાનું જણાય આવતા અને આ વેપારી અવારનવાર કચરો રસ્તા પર નાખીને જતા રહેતા હોવાનું જણાઈ આવતા આજે તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારવામાં આવ્યું છે. ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે કોઈપણ દુકાનને સીલ મારવાની સત્તા કોર્પોરેશન પાસે છે ખરી?















