![]()
મુંબઈ : ઈરાન કટોકટીને કારણે ઊભી થયેલી નિકાસ ખલેલની અસરને હળવી કરવા યોગ્ય ટેકાની દેશના ચોખાના નિકાસકારોએ સરકારને રજૂઆત કરી છે.
ઈન્ડિયન રાઈસ એકસપોર્ટર્સ ફેડરેશન દ્વારા એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ને સુપરત કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, નિકાસકારો કન્ટેનરની ભારે અછતનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં મધ્ય પૂર્વ ખાતેના જહાજોને રદ કરવામાં આવી રહ્યા છે તથા લોજિસ્ટિક ખર્ચમાં જોરદાર વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય નૂર દરમાં ૧૮થી ૨૦ ટકા વધારો થયો છે એટલુ જ નહીં અખાતી દેશો તરફની નિકાસ માટેના વીમા પ્રીમિયમ તથા વોર રિસ્ક સરચાર્જિસમાં જોરદાર વધારો થયો છે.
બન્કર ફ્યુઅલ ખર્ચમાં પણ વધારો થયો છે. મરિન ફ્યુઅલ કિંમતો પ્રતિ ટન ૫૨૦ ડોલર પરથી વધી ૫૮૦ ડોલર પહોંચી ગઈ છે.
નિકાસ અટકી પડતા ઘરઆંગણે બાસમતિના ભાવ ૮થી ૧૦ ટકા ઘટી ગયા હોવાનો ટ્રેડરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
ઊંચા નૂર દર, ઈંધણ તથા વીમા પ્રીમિયમના આંચકાને આપણા નિકાસકારો ખમી શકે એમ નથી એમ જણાવી ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટે દેવ ગર્ગે સમયબદ્ધ રાહતના પગલાં જાહેર કરવા અનુરોધ કર્યો છે.
ભારતના ટ્રેડરો દ્વારા કરાયેલા નિકાસ કોન્ટ્રેકટસ, કેશ ફલો તથા નિકાસ જવાબદારીઓને સુરક્ષિત બનાવવા સ્પષ્ટ નિર્દેશો જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે.















