વડોદરા : વડોદરાની ઐતિહાસિક ઓળખ સમાન ૧૫મી સદીના લહેરીપુરા દરવાજાની હાલત
અત્યંત દયનીય બની છે. અગાઉ વર્ષ ૨૦૧૩માં પાલિકાએ દરવાજાના રિસ્ટોરેશન માટે
આકયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ) ને રૃા.૭૫.૦૫ લાખ જેવી માતબર રકમ ચૂકવી હતી, પરંતુ
આટલા વર્ષો બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. તાજેતરમાં થયેલા આરટીઆઈ ખુલાસામાં
એએસઆઈ એ સ્વીકાર્યું છે કે આ કામગીરી વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી, પરંતુ અત્યારે દરવાજાની છત તૂટી રહી છે અને પીઠીયામાંથી પાણી ટપકે છે.
આશ્ચર્યની વાત એ છે કે, જે અધિકારીઓએ આ કામગીરી કરી હતી અને
જેમની સામે તપાસ થવી જોઈએ, તેઓ હાલ નિવૃત્ત થઈ ગયા છે અને
એએસઆઈ પાસે તેમના વર્તમાન સરનામા પણ ઉપલબ્ધ નથી, જે સીધી
રીતે જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ હોય તેમ જણાય છે.
આરટીઆઇમાં જે વિગતો માંગવામાં આવી હતી તેના જવાબમાં એવો જવાબ
(બચાવ ) આપવામાં આવ્યો છે કે લહેરીપુરા દરવાજો કેન્દ્રીય સંરક્ષિત સ્મારક નથી, માત્ર
રાજ્ય સરકારની વિનંતીને માન આપીને તેમણે રિપેરિંગ કામ હાથ ધર્યું હતું. પાલિકા
દ્વારા વારંવાર પત્રો લખીને છતના તાત્કાલિક સમારકામ માટે દબાણ કરવામાં આવી રહ્યું
છે, કારણ કે આ જર્જરિત સ્ટ્રક્ચર ગમે ત્યારે કોઈ મોટી
દુર્ઘટના સર્જી શકે છે. જોકે, એએસઆઈ એ સ્પષ્ટ કર્યું છે કે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા આ કચેરીમાં કોઈ નવી ડિપોઝિટ જમા
કરાવવામાં આવી નથી, જેના કારણે કામગીરી અટકી પડી છે. આમ,
સરકારી તંત્રની અંદરોઅંદરની ખેંચતાણમાં વડોદરાની ઐતિહાસિક ધરોહર
ખંડેર હાલતમાં ફેરવાઈ રહી છે.
વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા સમારકામની ગુણવત્તા સામે પણ અનેક
સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય વરસાદમાં પણ દરવાજાની છતમાંથી પાણી ટપકવાની શરૃઆત થઈ
ગઈ છે, જે રિસ્ટોરેશનમાં વપરાયેલી સામગ્રી અને કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ચિન્હ
મૂકે છે. એએસઆઈ ના રેકોર્ડ મુજબ, તત્કાલીન સંરક્ષણ સહાયકો
દ્વારા કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ અત્યારે તે
જ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવી એએસઆઈ
પોતાની જવાબદારી સીમિત કરી રહ્યું છે. શહેરની મધ્યમાં આવેલો આ દરવાજો હજારો લોકોની
અવરજવરનું કેન્દ્ર છે, ત્યારે તંત્રની આ ઉદાસીનતા કોઈ
નિર્દોષનો ભોગ લેશે તો તેની જવાબદારી કોની રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
જાગૃત નાગરીક કલ્પેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હાલની
સ્થિતિએ લહેરીપુરા દરવાજો માત્ર કદરૃપો જ નથી દેખાતો, પરંતુ
સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી બની ગયો છે. પાલિકા અને એએસઆઈ વચ્ચેના
પત્રવ્યવહારમાં એકબીજા પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ
વાસ્તવિકતા એ છે કે પ્રજાના ટેક્સના લાખો રૃપિયા ખર્ચાયા પછી પણ સ્મારકની હાલત
સુધરવાને બદલે વધુ બગડી છે. જો આગામી દિવસોમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં
આવે, તો ગાયકવાડી શાસનની આ ભવ્ય વિરાસત કાયમ માટે કાળના
ગર્ભમાં વિલાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
રોજ હજારો વાહન પસાર થાય છે ઃ ગંભીર અકસ્માતની ભીતી
શહેરની બિલકુલ મધ્યમાં આવેલા લહેરીપુરા દરવાજાની નીચેથી રોજ
હજારોની સંખ્યામાં વાહન પસાર થાય છે ત્યારે જો આ જર્જરીત થઇ ગયેલો દરવાજો ધરાશઇ
થાય તો ગંભીર અને જીવલેણ અકસ્માત સર્જાય તેવી પણ એક ભીતી સર્જાઇ છે. લહેરીપુરા
દરવાજાથી માંડવી સુધીના રોડ પર સૌથી વધુ ટ્રાફિકજામ સર્જાયો હોવાના કારણે આ
દરવાજાની નીચે અને આસપાસ વાહન ચાલકો અને રાહદારીઓની સતત હાજરી હોવાથી જો આ
દરવાજાનું યોગ્ય સમારકામ કરવામાં નહી આવે તો મોટી દુર્ઘટના સર્જાશે તે અંગેની
કોર્પોરેશન અને પોલીસ વિભાગને પણ અનેકવાર જાણ કરવામાંઆવી છે.
પાલિકાનું દબાણ, પણ એએસઆઈ પાસે ફંડ નથી
એએસાઇ પાસે આરટીઆઇ દ્વારા જે વિગતો માંગવામાં આવી હતી તેમાં
એએસાઇએ જણાવ્યું છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)
દરવાજાની છતના સમારકામ માટે એએસઆઈ પર સતત દબાણ કરી રહ્યું છે, પરંતુ એએસઆઈ ના જણાવ્યા મુજબ પાલિકાએ કોઈ નવી ગ્રાન્ટ કે ડિપોઝિટ આપી નથી.
એએસઆઈ એ વરિ કચેરીને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્થાનિક
તંત્રના દબાણને કારણે યોગ્ય માર્ગદશકા આપવી જરૃરી છે. આમ, ફંડ
અને સત્તાના જંગમાં લહેરીપુરા દરવાજો તેની મજબૂતી ગુમાવી રહ્યો છે.















