![]()
વડોદરાઃ શહેરના ગીચ વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાઓ વધી રહી છે.જે દરમિયાન નાગરવાડા અને યાકુતપુરામાં ચોરીના બે બનાવ બનતાં એક બનાવનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.આવી જ રીતે ઇલોરાપાર્કના મકાનમાં ચોરી કરના ત્રિપુટી પણ પકડાઇ છે.
નવીધરતીના સંતોષીમાતાના ખાંચામાં રહેતા વિણાબેન રાણાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૬ઠ્ઠી એ પરોઢિયે સાડા ચારેક વાગે હું નવા ઘેરથી નાહવા માટે નજીકમાં આવેલા જૂના ઘેર ગઇ હતી.થોડી વાર પછી મારું નવા મકાને ધ્યાન જતાં દરવાજો ખુલ્લો દેખાયો હતો અને સ્કૂટર પર જેકેટ પહેરેલ ત્રણ જણા જતા દેખાયા હતા.જેથી તપાસ કરતાં મારા નવા મકાનનો સામાન વેરવિખેર હતો અને ચોરો રોકડ તેમજ દાગીના મળી રૃ.એક લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હતા.
આવી જ રીતે યાકુતપુરાના ફૂટવેરના વેપારી શોક પ્રસંગે બહારગામ ગયા હતા ત્યારે તેમની સાથે પરિચય કેળવી મકાનમાંથી રોકડ અને દાગીના મળી રૃ.૪.૧૪ લાખની ચોરી કરનાર અનસ ફરિદભાઇ દૂધવાલા (બહાર કોલોની,આજવારોડ) દાગીના વેચવાના ફિરાકમાં હોઇ પકડાઇ ગયો હતો.
ઇલોરાપાર્કની સિટિઝન સોસાયટીના સિનિયર સિટિઝન કિરિટભાઇ હાથીના મકાનમાંથી દાગીના અને રોકડ ચોરી જનાર સુરેશ દંતાણી,પ્રવીણ દેવીપૂજક અને રોહિત મહેશભાઇ(ત્રણેય રહે.દશામા મંદિર સામે, ગોરવા)ને પોલીસે ચોરીના દાગીના અને રોકડ મળી રૃ.દોઢ લાખની મતા સાથે ઝડપી પાડયા હતા.















