![]()
અમદાવાદ,શનિવાર
વિઝા અપાવવાના બહાને લોકોને છેતરવો વધી રહ્યા છે, મોરબીના યુવક સહિત કુલ ૩૪ શ્રદ્ધાળુઓને સાઉદી અરેબિયા ઉમરાહ કરવા માટે મોકલવાનું કહીને વિઝા અને ટિકીટ પેટે કુલ રૃા. ૧૫ લાખની ઠગાઇ કરી હતી. જેમાં એરપોર્ટ ઉપર આવતાં વિઝા બોગસ હોવાની ખબર પડી હતી તેમજ ઉમરાહ કરીને પરત ફરેલા મુસાફર પાસે જુહાપુરાના શખ્સે એરપોટ ઉપર દોઢ લાખની ખંડણી માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૩૪ લોકોના ૪.૬૫ લાખ મેળવી સમયસર વિઝા ન કરાવ્યા ઃ દોઢ લાખ નહી આપો તો એરપાર્ટ બહાર નહી જવા દેવાની ધમકી આપતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો
મોરબીમાં રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જુહાપુરા ખાતે રહેતા મહંમદ જુનેદ સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૯માં ફરિયાદી ઉમરાહ કરવા માટે સાઉદીઅરેબિયા ગયા હતા. ત્યારે આરોપીનો સંપર્ક થયો હતો.બન્ને વચ્ચે મિત્રતા થતા વર્ષ ૨૦૨૨માં બન્ને ૩૦ લોકોને મક્કા મદિના ટુર્સમાં લઇ ગયા હતા. ત્યરબાદ ભવિષ્યમાં કોઈપણ ધામક ટૂર માટે સસ્તામાં વિઝા કરાવી આપશે તેમ આરોપીએ કહ્યું હતુ.
ત્યારબાદ ૨૦૨૫માં ફરિયાદીના પરિવારના ૩૪ સભ્યોને ઉમરાહ માટે જવાનું નક્કી થતા તેમણે આરોપીનો સંપર્ક કરતાં તેણે વ્યક્તિ દીઠ રૃા. ૧૨,૫૦૦ નક્કી કરી કુલ રૃા. ૪.૬૫ લાખ પડાવ્યા હતા. જોકે ફ્લાઇટના દિવસે પણ વિઝા ન મળતા ફરિયાદીએ પૂછપરછ કરતાં આરોપીએ વોટ્સએપ પર વિઝાની પીડીએફ મોકલી હતી. મુસાફરો એરપોર્ટ પહોંચ્યા ત્યારે સ્ટાફે તપાસતા આ વિઝા બોગસ હોવાનું બહાર આવતા નકલી વિઝાના કારણે અગાઉ બુક કરાવેલી રૃ. ૧૦.૨૪ લાખની એર ટિકિટો રદ કરવી પડી હતી. જો કે ફરિયાદી અને તેમનો પરિવાર અન્ય વ્યવસ્થા કરીને ઉમરાહ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ ઉપર પરત ફર્યા ત્યારે આરોપીએ વોટ્સએપ કોલ કરીને રૃ. ૧.૫૦ લાખની વધુ માંગણી કરી હતી. તેણે ધમકી આપી હતી કે જો આ રૃપિયા નહીં ચૂકવો તો એરપોર્ટની બહાર નીકળી શકશો નહીં.















