![]()
તંત્રની અણધડ કામગીરી સામે રોષની લાગણી : ઓફ સિઝનને બદલે ટાણે જ નવો રસ્તો બનાવવાનું શરૂ કરાતાં બન્ને તરફ માઈલો સુધી વાહનોની લાંબી કતારો
જૂનાગઢ, : હાલ ઉનાળુ વેકેશનનો પ્રારંભ થતા જ એશિયાટિક સિંહોના ગઢ ગણાતા સાસણ ગીરમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે એક તરફ પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય માણવા આવી રહ્યા છે તો બીજી તરફ વહીવટી તંત્રની અણધડ આયોજન શક્તિને કારણે પર્યટકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાસણમાં એન્ટ્રી પોઈન્ટ પર જ ચાલી રહેલા રસ્તાના કામને કારણે ટ્રાફિક જામ અને ઘર્ષણના દ્રશ્યો સામાન્ય બન્યા છે.
સામાન્ય રીતે જ્યારે સાસણમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય અથવા ઓફ-સીઝન હોય ત્યારે રસ્તાને નવો બનાવવાની કામગીરી કરવી જોઈએ તેના બદલે જ્યારે વેકેશનને કારણે હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે ત્યારે જ મેંદરડા તરફથી સાસણ પ્રવેશવાના મુખ્ય માર્ગ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. બે માર્ગીય રસ્તાને એક માર્ગીય કરી દેવાતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગે છે. કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે જેના કારણે તેમના નિર્ધારિત સફારી સમય પર પણ અસર પડી રહી છે.
રસ્તો સાંકડો હોવાથી વાહન પસાર કરવા મુદ્દે પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રએ મોકાણ માંડી છે. જો આ કામ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું હોત અથવા સીઝન પછી રાખવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ સર્જાત નહીં. પ્રવાસીઓ આટલા મોટા પ્રવાસન સ્થળ પર પ્રાથમિક આયોજનનો અભાવ કેમ છે? તેવા સવાલો ઉઠાવી રોષ ઠાલવી રહ્યા છે. સાસણ આવતા પ્રવાસીઓની હાલાકીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે અથવા ટ્રાફિકના નિકાલ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને વધારાના પોલીસ જવાનો તહેનાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે















