Surat SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ની શાખામાં થયેલી રૂ.50 લાખની સનસનીખેજ લૂંટના કેસમાં નવો ખુલાસો થયો છે. લૂંટના તાર બિહાર જેલ સુધી જોડાયા હોવાનું જણાય છે. બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉરમાં બંધ લૂંટના માસ્ટરમાઈન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત ખાસ એપના માધ્યમથી જેલમાંથી ગેંગના સભ્યોના સંપર્કમાં રહેતો અને સુરતની બેંકને ટાર્ગેટ બનાવીને લૂંટને અંજામ આપ્યું હતું. કુખ્યાત આરોપી કુંદનને રિમાન્ડ અર્થે સુરત લાવવા માટે પોલીસની ટીમ બિહાર રવાના થઈ છે.
સુરત લૂંટનો માસ્ટરમાઈન્ડ બિહાર જેલમાંથી આપતો સૂચના
સુરત SBI લૂંટ કેસની તપાસમાં દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટના કુખ્યાત આરોપી કુંદન ભગતની સંડોવણી સામે આવી છે. લૂંટના માસ્ટરમાઈન્ડ કુંદન ભગતે જેલમાં રહીને તેના સાગરીતો દ્વારા ઘટનાને અંજામ આપ્યું હતું. આ ગેંગના બે આરોપી શુભમ અને વિલકાસને પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશથી સુરત લાવવામાં આવ્યા છે.
કુખ્યાત આરોપી કુંદન ભગતને રિમાન્ડ માટે સુરત લાવાશે
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, જેલમાં બંધ કુંદન ખાસ એપના માધ્યમથી લૂંટારૂઓને સૂચના આપતો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે આરોપી કુંદનને સુરત લાવવા પોલીસની ટીમ બિહાર રવાના થઈ છે.

લૂંટ માટે ચૂંટણીનો સમય પંસદ કર્યો
પોલીસ તપાસ અનુસાર, સુરત મનપાની ચૂંટણીના સમયે લૂંટારૂઓએ ઘટનાને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો. આમ ચૂંટણી દરમિયાન પોલીસ ઓછી હોવાનો મોંકો જોઈને આરોપી લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા. લૂંટારૂઓએ સુરતની અંદાજે 10 બેંકની રેકી કરી હતી.
અગાઉ બે આરોપીની ધરપકડ
સુરતમાં SBI બેંકમાંથી રૂ.50 લાખની લૂંટ થવાના મામલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી આરોપી શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંઘ નામના બે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા
જાણો શું છે સમગ્ર મામલો
વરાછા વિસ્તારમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચ આવેલી છે. ભરચક ગણાતા આ વિસ્તારમાં હાલ મેટ્રોનું કામ ચાલતું હતું. જેને બેંકનું ખાસ કામ હોય તેવા ગણતરીના લોકો જ હાલ બેંકમાં આવતા. આ દરમિયાન 27મી એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં બેંકનો સ્ટાફ તેમની કામગીરી કરી રહ્યો હતો, ત્યારે પાંચ શખસો ત્યાં આવ્યા હતા. એટલામાં હિન્દીભાષા બોલતા આ શખસોએ પિસ્તોલ કાઢીને મહિલાઓ સહિતના સ્ટાફ અને ગ્રાહકોને બાનમાં લેવાનું શરૂ કર્યું હતું અને તેમને એક તરફ લઈ જઈ કેશિયર પાસેથી 12 લાખ રૂપિયા લૂંટ્યા હતા. તેઓ ત્યાંથી ભાગવાની તૈયારી કરતા હતા તે સમયે જ બેંકમાં કેશ ડિપોઝીટ કરતી વેન પૈસા ભરેલું બોક્સ લઈને આવતા તેને પણ બંધક બનાવી તેમાંથી બીજા 40 લાખ રૂપિયા મળી કુલ 52 લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરી હતી. જેમાં આરોપીઓએ પૈસા થેલા અને બેગમાં ભરી તેમજ સ્ટાફ અને ગ્રાહકોના મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા.















