![]()
– મપના પ્રોજેક્ટ પાછળ એક કરોડનો ખર્ચ કરશે
– નદીમાં ઠલવાતું ગંદુ પાણી રોકવા 3 સ્થળે પાઈપલાઈન ડાયવર્ટ કરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાળવામાં આવશે
સુરેન્દ્રનગર : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં સામેલ ભોગાવોને સ્વચ્છ બનાવવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ રૂ.૧ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યોે છે. ત્રણ મુખ્ય પોઈન્ટ્સ પરથી નદીમાં જતું ગંદુ પાણી હવે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાળવામાં આવશે.
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવો નદી હાલ ગંદા પાણી અને ઔદ્યોગિક કચરાને કારણે અત્યંત પ્રદૂષિત બની છે. શહેરના વિવિધ વિસ્તારોનું ગંદુ પાણી સીધું નદીમાં ઠલવાતું હોવાથી આસપાસના રહીશોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે અને નદી કિનારેથી પસાર થતી વખતે દુર્ગંધનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆતો બાદ અંતે નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને નદી શુદ્ધિકરણ માટે પ્રથમ તબક્કાનો પ્લાન તૈયાર કર્યો છે.
આ યોજના અંતર્ગત પાલિકા રૂ.૧ કરોડના ખર્ચે ત્રણ મુખ્ય સ્થળોએથી નદીમાં પડતા ગંદા પાણીના પ્રવાહને રોકશે. આ માટે પાઈપલાઈનનું નેટવર્ક બદલીને દૂષિત પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) અથવા કલેક્શન ટાંકાઓ સુધી પહોંચાડવામાં આવશે. પાલિકા દ્વારા આ કામગીરી માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
લોકોની હાલાકીનો આવશે અંત
ભોગાવો નદીમાં ઠલવાતા ગંદા પાણીને કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધ ફેલાય છે. લોકોને નાક પર રૂમાલ રાખીને પસાર થવું પડે છે. પાલિકાના આ નવા પ્રોજેક્ટથી વર્ષો જૂની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવાની આશા જન્મી છે.















