તેજીની હેટ્રિક : ઈન્વેસ્ટરોની સંપત્તિ રૂ.૨૦ લાખ કરોડ વધી
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વનો અંત લાવવા સમજૂતી થઈ જતાં અને હવે શુક્રવારે જીનીવા ખાતે કરાર કરવાના નિર્ણયે વૈશ્વિક ટેન્શન હળવું થતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં કડાકો બોલાતાં અને હોર્મુઝ માર્ગે ખુલ્લો મૂકાવાના ટ્રમ્પના નિવેદને આજે સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ શેરોમાં તેજી કરી હતી. ઘર આંગણે ભારતીય બજારોમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધારવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારામને વધુ પ્રોત્સાહનો, પગલાં લેવાશે એવા કરેલા પોઝિટીવ નિવેદનની પણ સકારાત્મક અસરે બજારની તેજીને ટેકો મળ્યો હતો. ફંડોએ આજે સતત ત્રીજા દિવસે બજારને મજબૂત ઉછાળો આપ્યો હતો. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી સાથે કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં અને આરંભમાં સાવચેતી બતાવ્યા બાદ અંતે સેન્સેક્સ ૫૪૪.૧૫ પોઈન્ટ વધીને ૭૬૮૦૮.૪૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૧૩૫.૨૫ પોઈન્ટ વધીને ૨૩૯૮૯.૧૫ બંધ રહ્યા હતા. શેરોમાં ત્રણ દિવસની તેજીની હેટ્રિકમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૯.૯૧ લાખ કરોડનો વધારો થયો છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન જે ૧૧,જૂન ૨૦૨૬ના રોજ રૂ.૪૫૨.૩૩ લાખ કરોડ હતું એ આજે વધીને રૂ.૪૭૨.૨૪ લાખ કરોડ પહોંચ્યું છે.
આઈટી શેરોમાં ફંડોની ફરી તેજી : એચસીએલ ટેકનો, સોનાટા, આરપી ટેક, નેટવેબ, એએસએમ ટેક વધ્યા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈના કારણે એક તરફ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે બિઝનેસ વૃદ્વિનું જોખમ અને બીજી તરફ આઈટી કંપનીઓ ઝડપી એઆઈ ક્ષેત્રે પરિવર્તનને અપનાવીને મોટાપાયે રોકાણ કરી રહી હોઈ પડકારને તકમાં પરિવર્તિત કરી રહી હોઈ ફંડોનું આઈટી-સોફ્ટવેર, ટેકનોલોજી શેરોમાં આજે ફરી આકર્ષણ રહ્યું હતું. એચસીએલ ટેકનોલોજીસ દ્વારા ભારતના સર્વમ એઆઈ સ્ટાર્ટઅપમાં અન્ય રોકાણકારો સાથે ૨.૩૪ કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવતાં શેરમાં ફંડોની તેજીએ રૂ.૪૦.૨૦ વધીને રૂ.૧૧૫૯.૩૫ રહ્યો હતો. સોનાટા સોફ્ટવેર રૂ.૫૧.૬૫ વધીને રૂ.૩૧૨.૧૫, આરપી ટેક રૂ.૧૦૪ વધીને રૂ.૬૬૫.૫૦, નેટવેબ રૂ.૨૭૧.૭૦ વધીને રૂ.૪૮૮૨.૨૫, એએસએમ ટેકનો રૂ.૨૧૨.૬૫ વધીને રૂ.૩૮૨૯.૧૦, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૩૬.૬૫ વધીને રૂ.૮૩૨.૯૫, રામકો સિસ્ટમ્સ રૂ.૨૪.૩૦ વધીને રૂ.૫૭૧.૨૫, કોફોર્જ રૂ.૬૧.૭૫ વધીને રૂ.૧૪૬૪.૫૫, સાસ્કેન રૂ.૭૪.૬૦ વધીને રૂ.૨૨૦૩.૯૦, માસ્ટેક રૂ.૫૪.૧૫ વધીને રૂ.૧૬૬૮, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૨.૩૫ વધીને રૂ.૪૬૪.૪૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૩૨.૯૦ વધીને રૂ.૫૦૨૩.૩૫, ટીસીએસ રૂ.૩૭.૧૫ વધીને રૂ.૨૧૯૮.૮૫, પ્રોટીઅન રૂ.૧૦.૭૦ વધીને રૂ.૬૩૪.૧૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૧.૦૫ વધીને રૂ.૬૭૧.૪૫, ટેક મહિન્દ્રા રૂ.૨૦.૬૫ વધીને રૂ.૧૪૪૬.૧૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૩૦.૭૫ વધીને રૂ.૯૪૯૪ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૫૪.૮૦ પોઈન્ટ વધીને ૨૭૯૧૨.૪૪ બંધ રહ્યો હતો.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં જળવાયેલું આકર્ષણ : સુઝલોન, ઝેનટેક, ટીમકેન, જયોતી સીએનસી વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોનું આકર્ષણ જળવાયું હતું. સુઝલોન એનજીૅ રૂ.૨.૩૫ વધીને રૂ.૫૭.૯૨, ઝેનટેક રૂ.૬૫.૫૫ વધીને રૂ.૧૮૫૪.૮૦, ટીમકેન રૂ.૧૨૦.૨૫ વધીને રૂ.૩૬૩૫.૬૫, કેઈન્સ રૂ.૯૫.૭૫ વધીને રૂ.૩૧૭૭.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૨૬.૫૦ વધ)ીને રૂ.૧૨૩૬.૫૫, જયોતી સીએનસી રૂ.૧૨.૩૦ વધીને રૂ.૭૦૧.૭૫, કોચીન શિપ રૂ.૧૯.૩૫ વધીને રૂ.૧૪૩૧.૮૫, એબીબી ઈન્ડિયા રૂ.૯૧.૭૦ વધીને રૂ.૭૦૧૭.૨૦, એસ્ટ્રલ રૂ.૧૭.૩૫ વધીને રૂ.૧૫૬૧.૯૦, મઝગાંવ ડોક રૂ.૨૭.૧૫ વધીને રૂ.૨૪૬૬.૮૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭૩.૪૫ વધીને રૂ.૧૬૧૪૬.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૩૦.૦૯ પોઈન્ટ વધીને ૮૦૧૨૧.૨૧ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની ખરીદી વધી : ઓએનજીસી, રિલાયન્સ, પેટ્રોનેટ વધ્યા
ઈરાન-અમેરિકા યુદ્વનો અંત આવવાના પોઝિટીવ ડેવલપમેન્ટે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધુ ઘટી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની ખરીદી વધી હતી. આજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૨.૨૨ ડોલર ઘટીને ૮૦.૯૫ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૨.૨૨ ડોલર ઘટીને ૭૮.૫૩ ડોલર થઈ ગયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૧૯, જૂનના ૪૯મી એજીએમ યોજનારી હોઈ વિવિધ બિઝનેસના વેલ્યુ અનલોકિંગના ભાગરૂપ આઈપીઓના સંકેત મળવાની અપેક્ષાએ શેરમાં આકર્ષણે રૂ.૨૦.૭૫ વધીને રૂ.૧૩૨૭.૮૫ રહ્યો હતો. ઓએનજીસી રૂ.૪.૫૫ વધીને રૂ.૨૪૮.૨૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૪.૪૦ વધીને રૂ.૨૯૦.૪૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૪૫ વધીને રૂ.૪૧૯.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૨૪.૮૧ પોઈન્ટ વધીને ૨૬૭૭૫.૩૧ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધ્યું : પીજી ઈલેક્ટ્રો, અંબર, ડિક્સન, ટાઈટન કંપની વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોનું વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૩૪.૫૦ વધીને રૂ.૫૨૭.૨૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૯૫.૩૦ વધીને રૂ.૭૮૧૧.૧૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૬૮.૩૦ વધીને રૂ.૧૨,૨૨૪.૮૦, ટાઈટન કંપની રૂ.૫૫.૧૦ વધીને રૂ.૪૩૩૭.૧૦, બ્લુ સ્ટાર રૂ.૧૧.૧૫ વધીને રૂ.૧૬૨૨.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૪૯.૩૨ પોઈન્ટ વધીને ૬૦૧૫૩.૮૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી જળવાઈ : ફેડરલ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બેંકોના હિતમાં પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસરે ફંડો સતત લેવાલ રહ્યા હતા. ફેડરલ બેંક રૂ.૩.૫૦ વધીને રૂ.૩૨૦.૬૫, એચડીએફસી બેંક રૂ.૭.૪૫ વધીને રૂ.૭૮૪.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨.૪૫ વધીને રૂ.૪૦૮.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૧૫ વધીને રૂ.૧૩૩૪.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૧.૪૪ પોઈન્ટ વધીને ૬૪૫૪૫.૦૮ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજીને વિરામ : ઉનો મિન્ડા, હ્યુન્ડાઈ, એક્સાઈડ ઈન્ડ., આઈશર મોટર્સ, ટાટા મોટર્સ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં રહી આજે ત્રણ મહિનાની નીચી સપાટીએ આવી જતાં અને હવે પેટ્રોલ, ડિઝલમાં નવો ભાવ વધારો નહીં થવાની સાથે ક્રુડના ભાવ વધુ ઘટવાના સંજોગોમાં ઈંધણ વધુ સસ્તું થવાની અપેક્ષા અને ઓટોમોબાઈલ કંપનીઓના મે મહિનાના વાહનોના વેચાણમાં વૃદ્વિના આકર્ષણે શેરોમાં ફંડો લેવાલ બન્યા બાદ આજે તેજીને વિરામ મળ્યો હતો. ઉનો મિન્ડા રૂ.૩૬.૪૦ ઘટીને રૂ.૧૦૮૯.૭૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૫૫.૮૫ ઘટીને રૂ.૧૯૭૪.૧૦, એક્સાઈડ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૩૮૮.૪૫, આઈશર મોટર્સ રૂ.૬૬.૫૫ ઘટીને રૂ.૭૫૫૭.૫૦, ટાટા મોટર્સ પેસેન્જ વ્હીકલ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૩૯૩.૬૦, મારૂતી સુઝુકી ઈન્ડિયા રૂ.૧૧૨.૪૦ ઘટીને રૂ.૧૩,૬૯૨.૮૫, ટીવીએસ મોટર રૂ.૨૨.૪૦ ઘટીને રૂ.૩૪૩૭.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૫.૫૯ પોઈન્ટ ઘટીને ૫૯૨૬૬.૧૩ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : નાલ્કો, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, જિન્દાલ સ્ટીલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. નાલ્કો રૂ.૧૫.૭૦ ઘટીને રૂ.૩૬૬.૬૫, હિન્દાલ્કો રૂ.૩૦.૮૦ ઘટીને રૂ.૯૮૨.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૧.૭૦ ઘટીને રૂ.૧૨૭૪.૪૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૯૫ ઘટીને રૂ.૧૧૩૯.૭૫, સેઈલ રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૮૧.૧૦, ટાટા સ્ટીલ રૂ.૧.૪૦ ઘટીને રૂ.૧૯૬ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૨૩.૩૬ પોઈન્ટ ઘટીને ૪૧૪૩૧.૪૩ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી છતાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૨૨૯૩ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સિલેક્ટિવ શેરોમાં ફંડો, ખેલંદાઓની સિલેક્ટિવ ખરીદી જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૯ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૩૦૩૦ થી ઘટીને ૨૨૯૩ અને ઘટનારની સંખ્યા ૧૩૮૪થી વધીને ૧૯૬૭ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૭૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં નજીવી ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૪૯.૧૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૩,૮૮૭.૧૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૬૩૬.૩૩ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૦૦.૦૬કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૫૫૩.૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૫૫૩.૩૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૭૨.૨૪ લાખ કરોડ રહ્યું
સેન્સેક્સ, નિફટીમાં તેજી જળવાયા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૭૨.૨૪ લાખ કરોડ રહ્યું હતું.















