![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજાર તૂટતાં તથા ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરીબજારોમાં આજે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ જોવા મળી હતી. વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૧૮૨થી ૫૧૮૩ વાળા તૂટી નીચામાં ભાવ ૫૧૫૫ થઈ ૫૧૬૯થી ૫૧૭૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૯૦.૫૯ વાળા ગબડી નીચામાં ભાવ ૮૫.૯૫ થઈ ૮૬.૧૮થી ૮૬.૧૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ તૂટી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૬૨૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરના ભાવ રૂ.૯૦.૯૬ વાળા આજે ઘટી ૯૦.૮૧ થઈ રૂ.૯૦.૯૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેકસ આજે નીચામાં ૯૭.૪૯ થયા પછી ઉંચામાં ૯૭.૭૨ થઈ ૯૭.૬૯ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૨૨૬૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૮ ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ ઘટયા હતા. જ્યારે ચાંંદીના ભાવ રૂ.૫૦૦૦ તૂટયા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૭૩૮૯ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૦૨૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૬૦૬૬૭ રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઉંચામાં રૂ.૭૦૫૧૦ થઈ રૂ.૬૯૭૩૮ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૧૧થી ઘટી ૬૯.૫૯ થઈ ૬૯.૯૬ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં પાઉન્ડ ભાવ રૂ.૧૨૨.૯૯ તથા યુરોના રૂ.૧૦૭.૨૩ રહ્યા હતા.















