![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં આજે એક તબક્કે સોનાના ભાવ ઔંશના ૩૦૦ ડોલર તૂટી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉછળી આજે ૯૯ની સપાટી કુદાવી જતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોનું વ્યાપક સેલીંગ શરૂ થયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં તથા ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં તેમજ શેરબજારોમાં મંદીના માહોલ વચ્ચે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારો રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૧.૪૭થી ઉછળી રૂ.૯૨ની સપાટી પાર કરી ઉંચામાં ડોલરના ભાવ રૂ.૯૨.૧૮થી ૯૨.૧૯ની નવી ટોચે પહોંચ્યાનું સૂત્રો જણાવી રહ્યા હતા. આના પગલે રૂપિયો નવા તળીયે ઉતરી ગયો હતો. દરમિયાન, દેશના ઝવેરીબજારો આજે વિશ્વબજાર પાછળ ગબડયા હતા.
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૫ હજાર ગબડયા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૫૩૮૨ ડોલરથી ગબડી નીચામાં ભાવ ૫૦૭૫ થઈ ૫૧૮૮થી ૫૧૮૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૯૪.૫૧થી તૂટી નીચામાં ભાવ ૭૭.૯૮ થઈ ૮૨.૬૭થી ૮૨.૬૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૬૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ તૂટી રૂ.૧૭૦૦૦૦ બોલાઈ ગયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી આજે રૂ.૨૬૫૦૦૦ બોલાયા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ રૂ.૪૮૦૦ તૂટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૬૨૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૬૦૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી રૂ.૨૬૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ આજે ઝડપી નીચી ઉતરી હતી. પ્લેટીનમના ભાવ ઔંશના ૨૩૪૮થી ઘટી ૨૦૨૨ થઈ ૨૧૦૦થી ૨૧૦૧ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૭૯૧થી તૂટી ૧૬૫૦ થઈ ૧૬૮૭થી ૧૬૮૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૪૫ ટકા ગબડયા હતા. જોકે એકબાજુ વિશ્વબજારમાં આજે વિવિધ કોમોડિટીઝના ભાવ તૂટી રહ્યા હતા ત્યારે બીજી તરફ ક્રૂડતેલના ભાવમાં તેજી ઝડપથી આગળ વધી હતી. યુધ્ધની અસર ક્રૂડતેલના ભાવ પર દેખાઈ હતી તથા સપ્લાયના અવરોધ ઉભો થયાના વાવડ મળ્યા હતા.
બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૭.૭૪થી વધી ૮૫.૧૨ થઈ ૮૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૧.૩૩થી વધી ૭૭.૫૮ થઈ ૭૬.૪૯ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલર સામે જાપાન તથા યુરોપની કરન્સીઓ તૂટયાના વાવડ હતા. વૈશ્વિક ડોલરમાં સેફ હેવન ડિમાન્ડ દેખાઈ હતી. ક્રૂડ વધતાં તથા ફુગાવો વધતાં અમેરિકામાં હવે વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા ઘટતાં વૈશ્વિક ડોલરમાં તેજીને પીઠબળ મળ્યાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.















