![]()
મુંબઈ : પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે આયાતો મોંઘી પડતા તથા રૂપિયા પર દબાણ આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને જે ચાર મુખ્ય કોમોડિટીસના વપરાશ ઘટાડવા અનુરોધ કર્યો છે તે ચાર કોમોડિટીસનો આયાત આંક ગત નાણાં વર્ષમાં ૨૪૦ અબજ ડોલર જેટલો રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સદર કોમોડિટીસની આયાત બમણાથી પણ વધુ વધી ગઈ છે.
ફોરેકસ રિઝર્વ પરના દબાણને ઘટાડવા વડા પ્રધાને સોનાની આયાત ઘટાડવા ઉપરાંત ખાદ્ય તેલના વપરાશ તથા બિનજરૂરી વિદેશ પ્રવાસ નહીં કરવા અરજી કરી છે આ ઉપરાંત તેમણે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે જેથી પેટ્રોલ-ડીઝલની આયાત પાછળના બિલમાં ઘટાડો થઈ શકે.
નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશના ૭૭૫ અબજ ડોલરના એકંદર આયાત બિલમાં ૩૧ ટકા એટલે કે આશરે ૨૪૦.૭૫ અબજ ડોલરની આયાત ક્રુડ ઓઈલ, સોના, વનસ્પતિ તેલ તથા ખાતરની રહી હતી.
આયાત બિલના આંકડા પર નજર નાખીએ તો, ૧૩૪.૭૦ અબજ ડોલર સાથે ક્રુડ તેલનું આયાત બિલ સૌથી ઊંચુ રહ્યું હતું જ્યારે ૭૨ અબજ ડોલર સાથે બીજી સૌથી વધુ આયાત ગોલ્ડની રહી હતી. વનસ્પતિ તેલનો આયાત આંક ગત નાણાં વર્ષમાં ૧૯.૫૦ અબજ ડોલર અને ખાતરનો ૧૪.૫૦ અબજ ડોલર રહ્યો હતો. વડા પ્રધાને રવિવારે કરેલી અપીલને અનુસરવામાં આવે તો દેશના નાગરિકોએ ઉકત કોમોડિટીસના વપરાશમાં ઘટાડો કરવાનો રહે છે.
પેટ્રોલ-ડીઝલના ેવપરાશ ઘટાડવા તેમણે વીજ સંચાલિત વાહનોના વપરાશ કરવા, કાર પુલિંગ તથા જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા મોદીએ અનુરોધ કર્યો છે. ખેડૂતોને તેમણે ડીઝલ પમ્પને બદલે સોલાર પમ્પ વાપરવા તથા કેમિકલ ફર્ટિલાઈઝરના વપરાશમાં પચાસ ટકા ઘટાડો કરવા આહવાન કર્યું છે.
ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવા તથા સોનાની ખરીદી ઘટાડવા પણ હાલની સ્થિતિમાં વડા પ્રધાનનું સૂચન આવી પડયું છે. અમેરિકા દ્વારા ઈરાનના જવાબનો અસ્વીકાર કરાતા આગામી દિવસોમાં સ્થિતિ કંઈપણ વળાંક લઈ શકે છે એટલું જ નહીં ક્રુડ ઓઈલનો પૂરવઠો પણ ખોરવાયેલો રહેવાની શકયતા નકારાતી નથી.
ક્રુડ તેલના ભાવ જે ગત નાણાં વર્ષમાં પ્રતિ બેરલ સરેરાશ ૭૧ ડોલર રહ્યા હતા તે વર્તમાન વર્ષના એપ્રિલમાં સરેરાશ ૧૧૪.૫૦ ડોલર પહોંચી ગયા હતા.
સોનાની આયાત પણ જે નાણાં વર્ષ ૨૦૨૫માં ૫૮ અબજ ડોલર રહી હતી તે ગત નાણાં વર્ષમાં ૭૨ અબજ ડોલર જોવા મળી હતી. ઉપર જણાવેલી ચાર કોમોડિટીસનું સંયુકત આયાત બિલ છેલ્લા પાંચ નાણાં વર્ષમાં ૧૧૨ અબજ ડોલરથી બમણા કરતા પણ વધુ વધી નાણાં વર્ષ ૨૦૨૬માં ૨૪૦ અબજ ડોલરની ઉપર પહોંચી ગયું હતું.
સોના તથા ક્રુડના ઊંચા ભાવને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષનું આયાત બિલ પણ ઊંચુ રહેવાની ધારણાં છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ મોદીની અપીલ આવી પડી હોવાનું માનવામાં આવે છે.














