![]()
સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા 20 ઘટનાઓનું વિશ્લેષણ : બાળકોમાં વધતી હિંસા, આપઘાત, એકલતા અને માનસિક અસ્થિરતા લાલબત્તીરૂપઃ હવે વાલીઓ નહીં જાગે, તો બહુ મોડું થઈ જશે
રાજકોટ, : 21મી સદીની આધુનિક ટેકનોલોજીએ અનેક સુવિધાઓ આપી છે, પરંતુ તેની સમાંતર એક એવો અદ્રશ્ય ભય પેદા કર્યો છે જે ભવિષ્યની પેઢીને અંદરથી ખોખલી કરી રહ્યો છે. જેને પ્રેમથી ‘સ્માર્ટફોન’ કહીને બાળકના હાથમાં રમકડાં તરીકે મૂકી દીધો છે, તે વાસ્તવમાં એક ‘ડિજિટલ ડ્રગ’ અને ‘સ્લો પોઇઝન’ સાબિત થઈ રહ્યો છે. બાળકોમાં વધતી હિંસા, આપઘાતની પ્રવૃત્તિ, એકલતા અને માનસિક અસ્થિરતા પાછળ સ્ક્રીનની આભાસી દુનિયા જવાબદાર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ભારતમાં બનેલી તાજેતરની ઘટનાઓ અને ક્લિનિકલ કેસોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેના તારણો વાલીઓની આંખો ઉઘાડનારા છે. ભારતના જુદા જુદા ખૂણેથી એકત્રિત કરવામાં આવેલા કિસ્સાઓ સાબિત કરે છે કે જો હવે વાલીઓ નહીં જાગે, તો બહુ મોડું થઈ જશે. જેમકે, ગુરૂગ્રામમાં ઓનલાઈન ગેમ્સ અને યુટયુબ શોર્ટ્સના બંધાણી 11 વર્ષના બાળક પાસેથી માતાએ ફોન લઈ ભણવા બેસવાનું કહેતા, બાળકે ગુસ્સામાં આવી ગળેફાંસો ખાઈ લીધો. તેવી જ રીતે કોલકાતામાં પિતાએ ગેમિંગ એપ ડિલીટ કરતા 16 વર્ષના કિશોરે ફાંસી લગાવી લીધી હતી. ભોપાલમાં ફ્રી ફાયર ગેમની લત ધરાવતા સગીરે પિતાએ ફોન રિચાર્જ ન કરાવી આપતા પરિવારને છરી બતાવી બંધક બનાવ્યો. નાગપુરમાં 10 વર્ષના બાળકે ગેમ ક્રેડિટ્સ માટે પોતાની 6 વર્ષની સગી બહેન પર ખુરશી ફેંકી હુમલો કર્યો હતો. વડોદરામાં 2 વર્ષના બાળક પાસેથી ફોન લેતા જ તે પોતાને બચકાં ભરતો અને માથું દીવાલ સાથે પછાડતો હતો. સુરતમાં મોર્ફિંગ અને સાયબર બુલિંગનો ભોગ બનેલી 17 વર્ષની વિદ્યાર્થિની ક્લિનિકલ ડિપ્રેશનમાં સરી પડી. હૈદરાબાદમાં ઈન્સ્ટાગ્રામ પર લાઈક્સ ન મળતા 15 વર્ષની કિશોરીએ દવાઓનો ઓવરડોઝ લીધો , જ્યારે મથુરામાં રેલવે ટ્રેક નજીક જોખમી સેલ્ફી લેવાના ચક્કરમાં 14વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો.
સ્માર્ટફોન અને સ્ક્રીન એડિક્શન ડિજિટલ ડ્રગ્સ સમાન બની ગયા
મનોવિજ્ઞાન ભવનના વિશ્લેષણમાં તાજેતરની 20 ગંભીર ઘટનાઓનું તારણ સ્પષ્ટ કરે છે કે સ્માર્ટફોન અને સ્ક્રીન એડિક્શન હવે માત્ર સમયનો બગાડ નથી, પરંતુ બાળકો માટે ડિજિટલ ડ્રગ્સ સમાન છે. પ્રો.યોગેશ જોગસણ કહે છે કે, ‘આપણે બાળકોના હાથમાં સ્માર્ટફોન આપીને અજાણતા જ તેમના મગજને આક્રમકતા અને સામાજિક વિમુખતા તરફ ધકેલી રહ્યા છીએ. વાલીઓએ હવે જાગવાનો સમય આવી ગયો છે. બાળકને ગેજેટ્સ નહીં, પણ તમારો સમય આપો.’ જ્યારે સંશોધક ડો.ધારા દોશી કહે છે કે, ‘સોશિયલ મીડિયા પર લાઈક્સની ભૂખ અને 15 સેકન્ડની રીલ્સ જોવાની લત બાળકોના અટેન્શન સ્પાનને ખતમ કરી રહી છે, જે લઘુતાગ્રંથિમાં પરિણમે છે. ડિજિટલ પેરેન્ટિંગના નિયમો કડક કરવાનો અને ઘરમાં નો-સ્ક્રીન ઝોન બનાવવાનો સમય છે.















