Ahmedabad Municipal Corporation Mayor: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે (26મી મે) યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉથી જ જે નામોની પ્રબળ સંભાવના સેવાઈ રહી હતી, તે મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશભાઈ બારોટને અમદાવાદના નવા મેયર જાહેર કરવામાં આવ્યા છે.
મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોની
અમદાવાદના મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરાઈ છે.

અમદાવાદના મેયર હિતેશ બારોટનો એક્શન પ્લાન!
અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સને લઈને એક ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.’ આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
મેયર તરીકે સૌથી પહેલી પ્રાથમિકતા કઈ રહેશે?
અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના દરેક નાગરિકની જે કોઈ પાયાની જરૂરિયાત છે, તે પૂરી કરવી એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. આપણું અમદાવાદ પહેલેથી જ અગ્રેસર છે, પરંતુ તેને દેશનું સૌથી વધુ વિકસિત અને સુવિધાજનક શહેર બનાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયાસ કરીશું.’
ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મેયર હિતેશ બારોટે જણાવ્યું હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્તરની રમતોનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેનો યજમાન બનવાનો મોકો અમદાવાદને મળ્યો છે, તે આપણા સૌ માટે અહોભાગ્યની વાત છે. આ ઐતિહાસિક સમયગાળાની અંદર મહાનગરપાલિકા હસ્તકના જે કોઈ પણ આંતરમાળખાકીય કામો કરવાના આવશે, તેને હું સમયમર્યાદામાં શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરાવીશ.’
પીક અવર્સમાં ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ અંગે હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદની અંદર ટ્રાફિકની સમસ્યા વસ્તી અને વાહનોના અસાધારણ વધારાના કારણે છે. પહેલાં જ્યારે કોઈ નવી સ્કીમ બનતી ત્યારે લોકો સ્કૂટર લઈને મકાન જોવા જતા હતા, પણ આજે સ્થિતિ બદલાઈ છે. આજે અમદાવાદ એટલું આર્થિક રીતે સક્ષમ અને વિકસિત બન્યું છે કે હરેક ઘરમાં ત્રણથી ચાર વાહનો થઈ ગયા છે! શહેર જે ઝડપે ફેલાઈ રહ્યું છે તે જોતા ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન સાધીને વર્તમાન વ્યવસ્થાને વધુ સુધારીશ અને સુદ્રઢ બનાવીશ.ટ
કયા કયા બાકી કામો પૂરા કરવા પર તમારી પ્રાયોરિટી રહેશે?
અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ: ‘કોર્પોરેશનમાં કોઈ કામ ક્યારેય બાકી રહેતું નથી, વિકાસકામો તો એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. સમય પ્રમાણે દરેક વસ્તુ નવી જ કરવાની હોય છે. જનતાની અપેક્ષાઓ રોજ બદલાતી હોય છે, તેથી હું દરેક નાગરિકને તેમની રોજિંદી જરૂરિયાત પ્રમાણેના તમામ સ્માર્ટ કામો સમયસર આપવાનો પૂરો પ્રયાસ કરીશ.’
હીતેશ બારોટનું નામ સૌથી આગળ હતું
મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં હતું. ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા. આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત્ હતી.














