![]()
વડોદરા : સ્ટોક માર્કેટમાં ઉંચા વળતરની લાલચ આપી રૃા.૪૬.૯૫ કરોડની
છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતેે અરજદારની
અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી
સામે પ્રથમદર્શીએ મજબૂત પુરાવો જણાઇ રહ્યો છે અને ચાર્જશીટ રજૂ થયા બાદ પણ કેસના
સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી.
કેસની વિગત એવી છે કે, ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં
વર્ષ ૨૦૨૫માં આ અંગે ગુનો નોંધાયો હતો જેમાં, ફરિયાદીને સ્ટોક માર્કેટમાં ઉંચા
વળતરની લાલચ આપીને તેમને એસવીઆઇપી સ્ટોક માર્કેટ ગૃપમાં સામેલ કરવામાં આવ્યાં હતા.
આરોપીએ પોતાની ઓળખ સિટાડેલ એલસીસીના અધિકારી તરીકે આપી હતી અને કુલ રૃા. ૪૬,૯૫,૯૦,૦૧૦નું રોકાણ કરાવી આ
રકમ પડાવી લીધી હતી.
પોલીસે આ બનાવમાં વિપુલ ભેમાભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી અને
તેણે અત્રેની અદાલતમાં જામીન અરજી મુકી હતી.જામીન અરજીનીસુનાવણીમાં બચાવ પક્ષે
રજૂઆત કરવામાં આવી હતી કે,અરજદારની માત્ર સહ-આરોપીના નિવેદનના આધારે ધરપકડ
કરવામાં આવી છે અને કેસમાં ચાર્જશીટ દાખલ થઇ ગઇ હોય જામીન આપવા જોઇએ.
જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આ એક
મોટું ગુનાહિત કાવતરું છે. આરોપીએ
ફરિયાદીને રૃા. ૫૮૦ કરોડના વિડ્રોઅલની લાલચ આપી રૃ. ૪૬.૯૫ કરોડની છેતરપિંડી આચરી
છે અને આ રકમ હજુ રિકવર કરવાની બાકી છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ
અરજદાર વિપુલ પ્રજાપતિની જામીન અરજી નામંજૂર કરી હતી.















