![]()
Sandeep Pathak Quits AAP: આમ આદમી પાર્ટી (AAP) ના બે-તૃતીયાંશ રાજ્યસભા સાંસદોના ભાજપમાં વિલયના સમાચારમાં સૌથી મોટું નામ સંદીપ પાઠકનું છે. રાઘવ ચઢ્ઢાનું જવું કદાચ અપેક્ષિત હતું, પરંતુ સંદીપ પાઠકનું પક્ષપલટો એ અરવિંદ કેજરીવાલ માટે અત્યાર સુધીનો સૌથી મોટો આઘાત માનવામાં આવે છે. સંદીપ પાઠક માત્ર સાંસદ નહોતા, પણ પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ અને ચૂંટણી રણનીતિના અસલી ‘બ્રેઈન’ હતા.
કેમ સંદીપ પાઠકનું જવું એ મોટું નુકસાન છે?
પાર્ટીના ‘ચાણક્ય’: સંદીપ પાઠક IIT દિલ્હીના પૂર્વ પ્રોફેસર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના PhD છે. પંજાબમાં AAPની ભવ્ય જીત પાછળ તેમની જ રણનીતિ કામ કરી રહી હતી.
સંગઠનનો સ્તંભ: 2022 પછી AAPના આખા સંગઠનાત્મક માળખાને તેમણે જ મજબૂત કર્યું હતું. સર્વે, ડેટા અને ચૂંટણી ગણિતમાં તેઓ માહિર ગણાય છે.
કેજરીવાલના અતિ નજીક: જ્યારે કેજરીવાલ જેલમાં હતા, ત્યારે જે ત્રણ લોકોને તેમને મળવાની મંજૂરી હતી તેમાં સંદીપ પાઠક સામેલ હતા. સુનીતા કેજરીવાલ બાદ રાજકીય મોરચો પાઠક જ સંભાળતા હતા.
શું હતી બળવાની પટકથા?
આ વિવાદની શરૂઆત 2 એપ્રિલ 2026 ના રોજ થઈ હતી, જ્યારે AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદેથી હટાવી અશોક મિત્તલને આ જવાબદારી સોંપી હતી. આ નિર્ણયથી પાર્ટીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. 24 એપ્રિલ 2026 ના રોજ રાઘવ ચઢ્ઢાએ રાજીનામું આપ્યું અને તેમની સાથે સંદીપ પાઠક સહિત અન્ય 6 સાંસદો પણ ભાજપમાં જોડાયા.
છેલ્લા 24 કલાકમાં શું બદલાયું?
સૂત્રોના જણાવ્યા મુજબ, AAP નેતૃત્વને અંદાજો હતો કે કેટલાક સાંસદો જઈ શકે છે, પરંતુ ખુદ રણનીતિકાર સંદીપ પાઠક જ આ લિસ્ટમાં હશે તે અકલ્પનીય હતું. અશોક મિત્તલ પર ED ની કાર્યવાહી અને સ્વાતિ માલીવાલ સાથેના જૂના વિવાદોએ પણ આ પ્રક્રિયામાં ‘ઘી હોમવાનું’ કામ કર્યું છે.















