![]()
Sandeep Pathak Facing Arrest After 2 FIRs Filed : રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયાના ગણતરીના સમયમાં જ તેમની સામે પંજાબમાં કાયદાકીય ગાળિયો કસાયો છે.
પંજાબમાં બે અલગ અલગ એફઆઈઆર
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલમાં જ ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે અલગ-અલગ જિલ્લાઓમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ બંને કેસ ગંભીર કલમો હેઠળ હોવાથી પંજાબ પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે તેવી શક્યતા છે.
બિન-જામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ
પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલા બંને કેસ બિન-જામીનપાત્ર (Non-Bailable) કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને જરૂર જણાય તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. જોકે FIR માં લગાવવામાં આવેલા આરોપોની વિગતવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ બંને કેસ અલગ-અલગ ઘટનાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
રાજકીય હલચલ
સંદીપ પાઠક દ્વારા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયાના તરત બાદ પંજાબમાં આ પ્રકારની કાર્યવાહી થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપ અને AAP વચ્ચે આ મુદ્દે આવનારા દિવસોમાં ભારે નિવેદનબાજી થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સંદીપ પાઠકની સાથે આપના 7 સાંસદો ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા. આ ઘટનાથી કેજરીવાલની આપ પાર્ટીને મોટો જટકો લાગ્યો હતો. ખાસ કરીને ત્યારે જ્યારે આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની તૈયારી છે. સંદીપ પાઠક આમ આદમી પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર પણ મનાતા હતા.















