લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અચૂક મતદાન કરો
ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે બાઇક રેલી યોજાઇ : રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીએ બાઇક રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી
મતદાર જાગૃત્તિ માટે યોજાયેલ બાઇક રેલીમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારી- કર્મચારીઓ સહભાગી બન્યા
ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં સો ટકા મતદાનના સંકલ્પ સાથે મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ લાવવાના ઉમદા ઉદ્દેશથી ગાંધીનગર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીને રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ બાઇક રેલીમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા પોલીસ વડા શ્રી વાસમશેટ્ટી રવિ તેજા, મહાનગર પાલિકાના કમિશનર શ્રી જે.એન.વાધેલા સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં અવસર સમી લોકસભા સમાન્ય ચૂંટણી યોજાનાર છે. ગુજરાત રાજયમાં આગામી તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. રાજયમાં આ લોકશાહી અવસરમાં સૌ મતદારો ઉત્સાહભેર સહભાગી બને અને વધુમાં વધુ મતદાન ગુજરાત રાજયમાં થાય તેવા ઉમદાભાવથી સમગ્ર રાજયમાં મતદાન જાગૃત્તિના અનેક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.
આજે ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી વાસમશેટ્ટી રવિ તેજા, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાધેલા સહિત જિલ્લાના અધિકારી- કર્મચારીઓ જોડાયા છે. આજની બાઇક રેલી ટ્રાફિકના નિયમોનુસાર યોજાઇ છે. ગાંધીનગરના રામકથા મેદાન ખાતેથી રેલીને રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી.ભારતી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી.ડી. પલસાણા અને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
આ રેલીમાં ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, નાયબ કલેકટર શ્રી અર્જુનસિંહ વણઝારા, ચૂંટણી શાખાના મામલતદાર શ્રી ર્ડા. આર.કે.પટેલ સહિત અધિકારી – કર્મચારીઓ હેલ્મેટ પહેરીને બાઇક- સ્કુટર ચલાવીને જોડાયા હતા. આ રેલી ગાંધીનગરના રામકથા મેદાનથી પ્રસ્થાન કરીને ચ-રોડ વિધાનસભા સામેથી મહાત્મા મંદિર નજીક ગ- રોડ ઉપર ગઇ હતી. ત્યાંથી ગ-૩ સર્કલ, ગ-૨ સર્કલ થી ગ-૦ સર્કલ થઇ રેલી ઘ-૦ સર્કલ થઇને ઘ-૨ સર્કલ, ઘ-૩ સર્કલ થઇ કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી.
સમગ્ર રેલીમાં જિલ્લાના અધિકારીઓ પણ રેલીમાં જોડાયા હોવાથી સર્વે નાગરિકોનો ઉત્સાહ વધ્યો હતો. આ રેલીમાં અંદાજે ૧ હજાર જેટલા નાગરિકો સહભાગી બની મતદાન કરવાની સર્વે મતદારોને અપીલ કરી હતી. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એમ.ભોરણિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. બી.એન.પ્રજાપતિ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ સહિત કર્મયોગીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.